Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં સોલાર રૂફટોપ દ્વારા રોજ 25 લાખ યુનિટ વીજળીની બચત, રાજકોટ પ્રથમ નંબરે,

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે લોકો પોતાના ઘરના છત કે ધાબા પર સોલાર રૂફટફ લગાવીને વીજળીની બચત કરી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં વીજગ્રાહકો ઘર અને છત પર સોલાર રૂફટોપ લગાવીને પ્રતિદિન સરેરાશ 25 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સોલાર રૂફટોપ લગાવવામાં રાજકોટ શહેર પ્રથમ ક્રમાંકે છે.

રાજ્યના ઊર્જા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આશરે અઢી લાખ વીજગ્રાહકો ઘર વપરાશ વીજ વપરાશમાં આત્મનિર્ભર બન્યા છે કે, વીજળી માટે પીજીવીસીએલ ઉપર આધાર રાખતા નથી, પરંતુ પોતે જ સોલાર રૂફટોપ લગાવીને વીજળી ઉત્પન્ન કરે છે અને વાપરે છે. જરૂર કરતાં વધુ ઉત્પાદન થાય તો ગ્રાહક વીજકંપનીને પણ વીજળી વેચે છે. સૌરાષ્ટ્રના અઢી લાખ વીજગ્રાહકો રોજ એવરેજ 25 લાખ યુનિટ વીજળી પોતે જ ઉત્પન્ન કરીને વાપરે છે, સોલાર રૂફ્ટોપ લગાવવાનું પ્રમાણ છેલ્લે કેટલાક સમયથી ખૂબ વધ્યું છે ત્યારે સોલાર પેનલ લગાવવામાં રાજકોટ સૌરાષ્ટ્રમાં નંબર-1 રહ્યું છે. રાજકોટ શહેરમાં આશરે સવા લાખ વીજગ્રાહકોએ સોલાર પેનલ લગાવી છે.

ગુજરાત સરકારે પર્યાવરણ અને સૃષ્ટિના જતન માટે  સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ કોઈપણ વીજગ્રાહક પોતાના ધાબા પર સોલાર સિસ્ટમ લગાવી શકે છે. ધારો કે કોઈ વીજગ્રાહક એક કિલોવોટનું સોલાર રૂફટોપ ફિટ કરાવે તો આ સિસ્ટમ દરરોજ 4 યુનિટ એટલે મહિને 120 યુનિટ ઊર્જા ઉત્પન્ન કરશે. હવે આ વીજગ્રાહકનું વીજબિલ 100 યુનિટ વપરાશનું જ આવે તો બાકીના 20 યુનિટનું વળતર પીજીવીસીએલ ગ્રાહકને પ્રતિ યુનિટ 2.25 રૂપિયા લેખે દર મહિને તેના વીજબિલમાં જમા આપશે. આ સૌરઊર્જામાંથી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરીને કે તેનો ઉપયોગ કરીને વધારાની વીજળી સરકારને રૂ.2.25 પ્રતિ યુનિટના દરે વેચીને વીજબિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકે છે. કોઈપણ રહેણાક વીજગ્રાહકને પોતાના ઘરના ધાબા ઉપર સોલાર રૂફટોપ ફિટ કરાવવું હોય તો તેને 1 કિલોવોટની સિસ્ટમ માટે અંદાજિત 110 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી રાખવી પડશે. હવે જો ગ્રાહક 1 કિલોવોટથી વધુ હેવી સોલાર રૂફટોપ ફિટ કરાવે તો તે તેના પ્રમાણમાં વધુ ઊર્જા ઉત્પાદન કરશે અને પ્રમાણમાં બમણી ખુલ્લી જગ્યાની જરૂર પડશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજના હેઠળ 1થી 2 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે રૂપિયા 30 હજારથી રૂપિયા 60 હજાર, 2 થી 3 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે રૂપિયા 60000થી રૂપિયા 78000 અને રૂપિયા 3 કિલોવોટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે 78000ની સબસિડી મળે છે. અને સોલારનો ઉપયોગ કરીને અનેક ગ્રાહકો છે પોતાની જરૂરિયાતથી વધુ વીજળી ઉત્પન્ન કરી વીજકંપનીને રૂ. 2.25 રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી વેચે છે અને આવક પણ મેળવે છે.