સુપ્રીમ કોર્ટે એરિક્સન મામલામાં અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સના બે નિદેશકોને અદાલતના અનાદરના દોષિત ઠેરવ્યા છે. અનિલ અંબાણી સિવાય રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતીષ સેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના ચેરપર્સન છાયા વિરાનીને અનાદરના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. અદાલતે ચાર સપ્તાહની અંદર એરિક્સનને 453 કરોડ રૂપિયાની ચુકવણી માટે જણાવ્યું છે. આમ નહીં કરવાની સ્થિતિમાં ત્રણ માસની જેલની સજા ફટકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ત્રણેય પર એક-એક કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. એક માસની અંદર દંડની રકમ જમા નહીં કરાવવાની સ્થિતિમાં અદાલત તેમને 30 દિવસ માટે જેલમાં મોકલી દેશે.
જસ્ટિસ આર. એફ. નરીમન અને જસ્ટિસ વિનીત સરનની ખંડપીઠે 13મી ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જ્યારે એરિક્સન ઈન્ડિયાએ આરોપ લગાવ્યો હતો કે રિલાયન્સ ગ્રુપની પાસે રફાલ યુદ્ધવિમાનના સોદામાં રોકાણ માટે રકમ છે, પરંતુ તેઓ તેના 550 કરોડ રૂપિયાના લેણાની ચુકવણી કરવા માટે અસમર્થ છે.
જો કે અનિલ અંબાણીના નેતૃત્વવાળી કંપનીએ આવા આરોપોને રદિયો આપ્યો હતો. અંબાણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મોટા ભાઈ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયોની સાથે મિલ્કત વહેંચણીનો સોદો નિષ્ફળ ગયા બાદ તેમની કંપની દેવાળિયાપણા સંદર્ભેની કાર્યવાહી કરી રહી છે. તેવામાં રકમ પર તેનું નિયંત્રણ નથી.
એરિક્સને અનિલ અંબાણી પર સકંજો કરવાની કોશિશ હેઠળ કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે રકમ નહીં ચુકવવા સુધી અનિલ અંબાણીની વિદેશ યાત્રાઓ પર રોક લગાવી દેવામાં આવે. અનિલ અંબાણી સંદર્ભેનો મામલો હવે રાજકીય રંગ પણ લઈ ચુક્યો છે. રફાલ ડીલને લઈને કેન્દ્રની મોદી સરકાર પર સતત હુમલા કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનિલ અંબાણીને પણ લપેટયા હતા અને તેમના પર તીખા શાબ્દિક હુમલા પણ કર્યા હતા.
રિલાયન્સ કમ્યુનિકેશન્સ એટલે કે આરકૉમે અદાલતને જણાવ્યું હતું કે તેમણે એરિક્સનને દેણાની ચુકવણી સુનિશ્ચિત કરવા માટે જમીન આસમાન એક કરી દીધા, પરંતુ તેઓ રકમ ચુકવી શક્યા નથી, કારણ કે જિયો સાથે તેમનો સોદો થઈ શક્યો નથી.