Site icon Revoi.in

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ: સીબીઆઈના ભૂતપૂર્વ વચગાળાના ચીફ નાગેશ્વરરાવ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના મામલે દોષિત

Social Share

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કાંડના મામલામાં સીબીઆઈ તપાસમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી વગર તપાસ ટીમમાં સામેલ કોઈપણ અધિકારીની ટ્રાન્સફર કરવામાં આવે નહીં. તેમ છતાં નાગેશ્વર રાવે સીબીઆઈના વચગાળાના નિદેશકની હેસિયતની રુએ તપાસ ટીમના ચીફ અને સીબીઆઈના અધિકારી એ. કે. શર્માની 17મી જાન્યુઆરીએ સીબીઆઈમાંથી સીઆરપીએફમાં ટ્રાન્સફર કરી દીધી હતી.

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કાંડ મામલે સુપ્રીમ કોર્ટના અનાદરના મામલે સીબીઆઈના ભૂતપૂર્વ વચગાળાના નિદેશક નાગેશ્વરરાવની માફીને અદાલતે નામંજૂર કરી છે. તેમના ઉપર એક લાખ રૂપિયાનો દંડ લગાવવાની સાથે તેમને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોર્ટ ચાલે ત્યાં સુધી તેમને પાછળ બેસવું પડશે. સુપ્રીમ કોર્ટની અવગણનાના મામલામાં નાગેશ્વર રાવની સાથે લીગલ એડવાઈઝર બસૂરનને પણ દોષિત માનવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મુઝફ્ફપુર શેલ્ટર હોમ રેપ કાંડના મામલામાં સીબીઆઈની તપાસમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી વગર તપાસ ટીમમાં સામેલ કોઈપણ અધિકારીની ટ્રાન્સફર કરવામાં નહીં આવે. તેના પછી નાગેશ્વરરાવે તપાસ ટીમના ચીફ સીબીઆઈ અધિકારી એ. કે. શર્માની 17મી જાન્યુઆએ સીબીઆઈમાંથી સીઆરપીફેમાં બદલી કરી દીધી હતી. બાદમાં સીબીઆઈના ભૂતપૂર્વ વચગાળાના નિદેશક નાગેશ્વરરાવે સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગી હતી. તેમણે સોમવારે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફીનામું પણ દાખલ કર્યું હતું.

સુનાવણી કરતી વખતે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યુ હતુ કે નાગેશ્વરરાવ પોતાની ભૂલનો સ્વીકાર કરી રહ્યા છે. પરંતુ તેમણે આવી ભૂલ જાણીજોઈને કરી નથી અને બધું અજાણતા થયું હતું. તેના સંદર્ભે મુખ્ય ન્યાયાધીશે કહ્યુ હતુ કે અવગણનાના આરોપીનો બચાવ સરકારના નાણાંથી કેમ થઈ રહ્યો છે?

કે. કે. વેણુગોપાલની દલીલ પર ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટના જૂના આદેશની જાણકારી હતી, તેથી તેમણે કાયદા વિભાગનો અભિપ્રાય માંગ્યો અને લીગલ એડવાઈઝરે કહ્યુ હતુ કે એ. કે. શર્માની ટ્રાન્સફર કરતા પહેલા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને મંજૂરી માંગવામાં આવે. પરંતુ આવું શા માટે કરવામાં આવ્યું નહીં ?  તેના સંદર્ભે અટોર્ની જનરલે કહ્યુ હતુ કે રાવે પોતાની ભૂલનો સ્વીકાર કરીને માફી માંગી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે સંતુષ્ટ થયા વગર અને કોર્ટને પુછયા વગર અધિકારીનો રિલીવ ઓર્ડર સાઈન કરવો અવગણના નથી તો શું છે?

સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યુ હતુ કે નાગેશ્વર રાવે આર. કે. શર્માને તપાસમાંથી હટાવવાના નિર્ણય લીધા બાદ સુપ્રીમ કોર્ટને જણાવવાની જરૂરત પણ સમજી ન હતી. નાગેશ્વર રાવનું વલણ એવું રહ્યું છે કે તેમને જે કરવું હતું, તે તેમણે કરી દીધું હતું.