Site icon Revoi.in

અમીરગઢના ઉમરકોટમાં મામલતદારના ખોટા સહી-સિક્કા કરી સરકારી જમીન ફાળવવાનું કૌભાંડ,

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવિયા ઉમરકોટ ગામે કોઈ અજાણ્યા ઈસમોએ લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી મામલતદારની સહી સાથે કચેરીના સિક્કા અને ગોળ રાઉન્ડસીલ મારીને દસ્તાવેજો તૈયાર કરાયાના કૌભાંડની મામલતદારે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ કેસની વિગતો એવી જાણવા મળી છે. કે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવીયા ઉમરકોટ ગામના એક વ્યક્તિ ગઈ તા. 5મી જાન્યુઆરી 2024ના રોજ મામલતદારને મળવા ગયા હતા. અને ઉમરકોટની જમીન અંગેની અરજીનું પંચનામુ કરવા વિનંતી કરી હતી. જોકે અમીરગઢ મામલતદાર વિક્રમ કુમાર રાવલે તે વ્યક્તિને નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવ્યુ હતું. જેથી ઉમરકોટના વ્યક્તિએ મામલતદારને કહ્યું હતું કે ઉમરકોટની જમીન ફાળવવા મામલતદાર કચેરી દ્વારા હુકુમ કરાયેલો છે વ્યકિતએ મામલતદારને પોતાની પાસેની હુકુમની કોપી બતાવતા મામલતદાર ચોકી ઉઠ્યા હતા.

આથી અમીરગઢ મામલતદારે પોતાના કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા કોઈ હુકમ થયેલો ના હોવાનું મામલતદારને જણાવ્યુ હતું. હુકમમાં સિક્કો તેમજ કચેરીનો ગોળ રાઉન્ડસીલ અને મામલતદારની સહી પણ હતી. જોકે આ હુકુમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદારને જાણવા મળ્યું હતુ. જે આ બનાવટી હુકમો જમીન ગ્રાન્ટ કરવામાં આવેલી છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી. આ હુકુમ સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઇરાદાથી ફેક દસ્તાવેજો તૈયાર કરાયા હોવાનું સ્પષ્ટ થયું હતું.

મહાદેવ ઉમરકોટના ગ્રામજનોએ અમીરગઢ મામલતદારને કહ્યું હતું કે, આવા હુકમો આશરે 50 એક અલગ અલગ વ્યક્તિઓને આપવામાં આવેલા છે.  અને દરેક હુકમ દીઠ દરેક વ્યક્તિઓ પાસેથી અઢી લાખ રૂપિયા લેવામાં આવેલા છે. અમીરગઢ મામલતદાર વિક્રમ રાવલે અમીરગઢ પોલીસ મથકે ઉમરકોટ મહાદેવીયાના વ્યક્તિએ આપેલા બનાવટી હુકમ આધારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.