Site icon Revoi.in

કાશ્મીરથી રિવોલ્વર સહિતના હથિયારો લાવીને ગુજરાતમાં વેચવાનું કૌભાંડ, ત્રણ શખસો પકડાયા

Social Share

અમદાવાદઃ  જમ્મુ-કાશ્મીરથી હથિયારો લાવીને ગુજરા3તમાં વેચવાનું રેકેટ પોલીસે પકડી પાડ્યું છે.આ રેકેટમાં આસામ રાઈફલ્સના નિવૃત્ત જવાન સહિત બે લોકોની સોલા પોલીસે ધરપકડ કરી છે. નિવૃત જવાન પ્રતિક ચૌધરી જમ્મુથી હથિયારો લાવીને ગુજરાતમાં વેચતો હતો. તેણે છેલ્લા પાંચ મહિનામાં 10થી વધુ હથિયાર વેચ્યા હોવાની કબૂલાત કરી છે. નિવૃત જવાન પ્રતિક જમ્મુથી 4 લાખમાં હથિયાર લાવીને 12થી 16 લાખ રૂપિયામાં વેચી ચુક્યો છે. તેની સાથે પકડાયેલા આરોપી બિપિન હથિયાર ખરીદવા માટે ગ્રાહકો લાવતો હતો. નિવૃત જવાન પ્રતિક ચૌધરી આસામ રાઇફલસમાં અગાઉ ફરજ બજાવી ચુક્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના  સોલા પોલીસે બાતમીના આધારે ગેરકાયદે હથિયારનો વેપાર કરતા પ્રતિક ચૌધરીની ધરપકડ કરી હતી. સોલા હાઈકોર્ટ પોલીસે મુખ્ય આરોપી પ્રતિક ચૌધરી પાસેથી  હથિયાર જપ્ત કર્યાં હતા. પ્રતિક ચૌધરીના મદદકર્તા બિપિન મિસ્ત્રી અને જતીન પટેલ નામના બે શખસોની પણ ધરપકડ કરી છે. આ ત્રણેયની પૂછપરછ બાદ પોલીસે અન્ય છ લોકોની પણ ધરપકડ કરી છે. આ છ લોકોને ગેરકાયદેસર રિવોલ્વર વેચવામાં આવી હતી.  પોલીસ દ્વારા ગેરકાયદે રિવોલ્વર વેચવા, લાયસન્સ બનાવી આપવા અંગે જુદી જુદી કલમો સહિત આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી પ્રતિક ચૌધરીએ તપાસ દરમિયાન પોતે આસામ રાઈફલમાં કામ કરતો હતો એવું પોલીસને નિવેદન આપ્યું હતું.  જે અંગે કોઈ આધારભૂત પુરાવો ના મળતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરથી  બસમાં હથિયારો લઈને આવતા હોવાનું આરોપી કહી રહ્યો છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણવ્યું હતું કે, 13 ઓગસ્ટના રોજ બપોરે 1:00 વાગે અમદાવાદ શહેરના એસપી રીંગરોડ, ઓગણેજ સર્કલ ખાતેથી મુખ્ય આરોપી પ્રતિક ચૌધરીને પોલીસે ઝડપ્યો હતો. પરમિટ વગર 32 બોર રિવોલ્વર તેમજ જીવતા 12 નંગ કારતુસ તથા ફોડેલા 4 કારતુસ તેમજ ટીઆગો કાર સહિત કુલ ₹4,67,400 ના મુદ્દામાલ સાથે પ્રતિક ઝડપાયો હતો. પ્રતિક ચૌધરીની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ લોકોને જમ્મુ કશ્મીર ખાતેથી રિવોલ્વર લાવી ખોટા લાયસન્સ બનાવી વેચાણ કર્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ 15 લાખથી 25 લાખ રૂપિયા વસૂલી પ્રતિક ચૌધરી ખોટા લાયસન્સ બનાવી ગેરકાયદે હથિયારનું વેચાણ કરતો હતો. પ્રતિક ચૌધરી દ્વારા વેચાણ કરેલા કેટલાક હથિયારો પણ પોલીસે કબજે કર્યા હતા, કુલ 11 લાખ 43 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરાયો છે. ખોટા લાયસન્સ સાથેની રિવોલ્વર ખરીદી અને ગેરકાયદે હથિયાર રાખવા બદલ પોલીસે છ શખ્સોને ઝડપ્યા છે જેમાં ભાવેશ ટેવાણી, અનિલ વાઘેલા, નબી ઉર્ફે નબો જાદવ, નવસાદ મલિક, સચિન ઠાકોર તેમજ સુભાષ ઠાકોરનો સમાવેશ થાય છે.