અમદાવાદઃ રાજ્યમાં ડમીકાંડ બાદ હવે નકલી ડિગ્રીના સર્ટી આપવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 1- અને 12ની ફેક માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ તેમજ આઈટીઆઈ, ડિપ્લોમાંના સર્ટી સહિત માગો તે બનાવી આપવાનું કોંભાડ પકડાયું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના બેચરાજીના શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય કુલદીપ પરમાર અને એક અન્ય યુવક બેચરાજીમાં દુકાન ભાડે રાખી કોમ્પ્યુટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાની માર્કશીટો સ્ટોર કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપાયા છે. આ યુવકોએ બે મહિનામાં 50 વિદ્યાર્થીને નકલી માર્કશીટ બનાવી આપી હતી. હાલ કેટલાક વિદ્યાર્થીઓ આ માર્કશીટ પર અલગ-અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે..
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આદિત્ય કોમ્પ્લેક્સમાં એક ઝેરોક્સની દુકાનમાં કેટલાક ઈસમો નકલી માર્કશીટ બનાવવાનું કામ કરતા હોવાની મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. તેને આધારે પોલીસે દુકાનમાં ઘૂસી દરોડા પાડયા હતા. દુકાનમાં તપાસ દરમિયાન કોમ્પ્યુટરમાંથી એક ફોલ્ડરમાં ઓરિજિનલ માર્કશીટ મૂકી હતી, જેને એડિટિંગ કરી અન્ય વિદ્યાર્થીઓનાં નામો એડ કરી તેમને 1500 રૂપિયામાં નકલી માર્કશીટ આપવામાં આવતી હોવાની સામે આવ્યું છે. પોલીસે રેડ કરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનો અને હાલ શંખલપુર ખાતે રહેતો 23 વર્ષીય કુલદીપ કુમાર પરમાર બેચરાજીમાં ડેપો પાસે આવેલા કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખીને ઝેરોક્સની દુકાન ચલાવતો હતો. કુલદીપ પરમાર પોતાના કોમ્પ્યુટરમાં એક ફોલ્ડરમાં ઓરિજિનલ ધોરણ 10, ધોરણ 12, ITI, ડિપ્લોમાં સુધીની માર્કશીટ રાખતો અને જે વિદ્યાર્થીઓને માર્કશીટ ના હોય તેમને અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનાં નામ ઓરિજિનલ માર્કશીટમાં એડ કરી વેચતો હતો. પોલીસ-તપાસ દરમિયાન એવી માહિતી મળી હતી કે, કુલદીપે બે માસમાં 50 વિદ્યાર્થીને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપી છે. આ કામના બદલે તે 1500 રૂપિયા ચાર્જ પણ લેતો હતો. રેડ દરમિયાન મહેસાણા LCB ટીમે કુલદીપ પરમાર અને વિજય સિંહ લક્ષમણ સિંહને ઝડપી પાડ્યા હતા.
સમગ્ર કૌભાંડમાં કુલદીપની ઓફિસમાં તપાસ દરમિયાન આઠ વિદ્યાર્થીનાં સર્ટિફિકેટ અને માર્કશીટ મળ્યાં હતાં. દુકાનમાં તપાસ દરમિયાન માર્કશીટ કાઢવા કેન્ટ કંપનીના હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ 15 તેમજ કોમ્પ્યુટર સહિતનાં સાધનો મળી કુલ રૂ. 86,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બેચરાજી પોલીસમાં કુલદીપ સામે નકલી માર્કશીટ બનાવવાના કેસમાં કલમ 465,468,471,114 મુજબ ગુનો દાખલ કરી વધુ કપાસ હાથ ધરી છે.