Site icon Revoi.in

જેતપુર હાઈવે પર ટેન્કરમાંથી દૂધચોરીનું કૌભાંડ પકડાયું, પોલીસે 6 શખસોની કરી ધરપકડ

Social Share

રાજકોટઃ ડેરીના ટેન્કરમાંથી દૂધચારીનું કૌભાંડ પકડાયુ છે. જુનાગઢ-જેતપુર હાઈવે પર એક હોટલ પર દૂધના ટેન્કરો ઊભા રાખીને ટેન્કરમાંથી દૂધના બેરલો ભરીને એટલું જ પાણી ટેન્કરમાં નાંખવામાં આવતું હતું. આ કૌભાંડ ઘણા સમયથી ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી તેથી પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડી દૂધચારીના કૌભાંડને પડદાફાશ કર્યો હતો. પોલીસે બે ટેન્કર, 29,245 લીટર દૂધ, એક બોલેરો, 7 મોબાઈલ, પ્લાસ્ટિકના 4 ટાંકા, 2 મોટર સહિત 24.43 લાખનો મુદામાલ કબ્જે કરી તમામ સામે જેતપુર તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં ખાદ્ય-પદાર્થો, ચીજવસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર, ઘી, મીઠાઈ અને દૂધમાં મોટાપાયે ભેળસેળની ફરિયાદો મળી રહી છે. ત્યારે જેતપુર-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ઝડપી પાડી 6 શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી.વી. ઓડેદરા અને ટીમે જેતપુર-જૂનાગઢ હાઈવે ઉપર આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. માહી ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા જૂનાગઢના હીરાભાઈ ગોવિંદભાઈ કલોતરા, જસભાઈ ગોવિંદભાઈ કલોતરા, અર્જુનભાઈ રમેશભાઈ ભારાઈ, જેતપુરના ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી, વારાણસીના બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવની ધરપકડ કરી હતી. જ્યારે જૂનાગઢના બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઈ કોડિયાતરની સંડોવણી ખૂલતા તેની શોધખોળ હાથ ધરી છે.

દૂધચોરીના કૌભાંડમાં આરોપીઓ બે ટેન્કરમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ચલાવતા હતા. જેમાં તેઓ સીલ તોડી દૂધ ચોરી કરી ભેળસેળ કરી વેચાણ કરતા હતાં. પોલીસે 2 ટેન્કર, 29,245 લીટર દૂધ, એક બોલેરો, 7 મોબાઈલ, પ્લાસ્ટિકના 4 ટાંકા, 2 મોટર સહિત 24.43 લાખનો મુદામાલ કબ્જે કરી તમામ સામે જેતપુર તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.