જૂનાગઢઃ શહેરમાં શનિવારે 16 ઈંચ જેટલો ધાધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રહેણાક વિસ્તારમાં લોકોએ અત્યાર સુધી ક્યારે ન જોઈ હોય તેવી આફત જોઈ હતી. રવિવારે પૂરનાં પાણી ઓસર્યાં બાદ તબાહીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારમાં મકાનોની દીવાલો ધરાશાયી બનેલી જોવા મળી હતી. તેમજ પૂરમાં ઘર વખરી તણાઈ ગયાની અનેક ફરિયાદો પણ મળી હતી.
લોકોએ કહ્યું- ભગવાનનો આભાર અમે બચી ગયા. શહેરના ઘણાબધા લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, નદી પર દબાણ કરીને ગટર બનાવી દીધી હોવાના કારણે આજે આ સમસ્યા સર્જાઈ છે.
જૂનાગઢ શહેરમાં અને ગિરનાર ઉપર શનિવારે 16 ઈંચ જેટલો વરસાદ ખાબકતા કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. બેથી ત્રણ કલાકમાં જ વરસેલા મુશળધાર વરસાદના કારણે જૂનાગઢ શહેરમાંથી પસાર થતા કાળવા વોકળાનું પાણી શહેરના રહેણાક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું. જૂનાગઢ શહેરના રસ્તાઓ પર થોડા કલાકો માટે જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. દરિયા અને નદીમાં જે રીતે બોટ તરતી હોય તે રીતે રસ્તાઓ પર મોટરકાર, વાહનો અને પશુઓ તરતા જોવા મળતા લોકો ડઘાઈ ગયા હતા. લોકોનાં ઘરમાં પણ પાંચ-પાંચ ફૂટ પાણી ઘૂસી જતાં તમામ ઘરવખરી પલળી ગઈ હતી.
જૂનાગઢ શહેરમાં તબાહી બાદ પાણી ઓસરી ગયા સેવા ભાવી સંસ્થાઓ દ્વારા રાહતના કામો હાથ દરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકોને ફુડપેકેટો પણ આપવામાં આવી રહ્યા છે. શહેરના ઘણાબધા વિસ્તારોમાં ઘરની કીમતી સામગ્રી, અનાજ, ઈલેક્ટ્રિક ઉપકરણો સહિતની વસ્તુઓ પાણીમાં પલળી ગયેલી જોવા મળી હતી. ભારેખમ વાહનો પણ પૂરનાં પાણીમાં તણાઈ ન જાય તે માટે લોકોએ દોરડાથી બાંધેલાં જોવા મળ્યાં હતાં. કલાકોથી ભૂખ્યા તરસ્યા લોકોની મદદે કેટલાક સેવાભાવી ભાઈઓ પણ પહોંચેલા જોવા મળ્યા હતા. શહેરમાં પૂરનાં પાણી એ હદે ઘૂસ્યાં હતાં કે, લોકોના ઘરની મજબૂત દીવાલો પણ તેની સામે ટકી શકી ન હતી. કેટલાક વિસ્તારમાં તો આરસીસી રોડ પણ ધમસમતા પાણીમાં ધોવાઈ ગયેલા જોવા મળ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં પશુઓના મૃતદેહ પણ જોવા મળ્યા હતા.
જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી આફતમાં અનેક વિસ્તારમાં લોકોએ જાણે મોતને નજીકથી જોયું હતું. કાચાં મકાનોમાં રહેતા લોકોના ઘરથી લઈ ઘરની તમામ સામગ્રી પાણીમાં વહી ગયાં હતાં. લોકોએ એક સૂરે કહ્યું હતું કે, તેઓએ પોતાની જિંદગીમાં આ પ્રકારની આફત ક્યારેય જોઈ નથી. શહેરમાંથી પસાર થતી જે નદી છે તેના પર દબાણો કરીને ગટર સમાન બનાવી દીધી હોય તેના કારણે આ આફત આવી હોવાનું લોકોએ જણાવ્યું હતું. શહેરમાં અને જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદમાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક લોકો ઘરોમાં ફસાયા હતા. ત્યારે જૂનાગઢ પોલીસ લોકોની વ્હારે આવી હતી અને અનેક લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. જૂનાગઢ શહેરના ગણેશનગર વિસ્તારમાં ફસાયેલી એક ગર્ભવતી મહિલા અને તેમના પરિવારજનોને પોલીસે ધમસસતા પાણીની વચ્ચેથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. વંથલી પોલીસ સ્ટેશનના વડલા ફાટક પાસે પણ શ્રમિક પરિવાર પોતાના ઘરમાં માતાજીની મૂર્તિને મૂકીને ઘર છોડવા માગતા ન હોય પોલીસે તેની આસ્થાનું ધ્યાન રાખી લોકોની સાથે માતાજીની મૂર્તિને પણ સલામત સ્થળે ખસેડી હતી.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કલેક્ટર દ્વારા કલમ 144નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 24 જુલાઈએ રાત્રિ સુધી લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરનાં પ્રવાસન સ્થળો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. લોકોને ડેમ અને ચેકડેમથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.