Site icon Revoi.in

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ બંધ કરાતા અપાયેલા ડાયવર્ઝનને લીધે વારંવાર સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો

Social Share

વડોદરાઃ શહેરમાં શાસ્ત્રી બ્રિજ નજીક બુલેટ ટ્રેન કોરીડોરનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે શાસ્ત્રી બ્રિજ દસ દિવસ માટે બંધ કરીને વાહન ચાલકોને ડાયવર્ઝન અપાયું છે. પરંતુ આ ડાયવર્ઝનના રસ્તાઓ પર પીક અવર્સ દરમિયાન વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય રહ્યા છે. ટ્રાફિક પોલીસની વાહન ટોયિંગ કરતી ક્રેઇનવાળા સેફ્રોન ટાવરથી ફતેગંજ પેટ્રોલ પંપ તરફ આવતા નથી. જ્યારે આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને હોટલો રેસ્ટોરંન્ટ પાસે આડેધડ થતા વાહન પાર્કિંગથી અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. આમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓના હંગામી દબાણો હટાવવા અત્યંત જરૂરી છે.

વડોદરામાં બુલેટ ટ્રેન કોરીડોરની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. હાલમાં શાસ્ત્રી બ્રિજ પર રેલવે લાઈન ઉપરથી કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શાસ્ત્રી બ્રિજ દસ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો હજી પણ એકાદ સપ્તાહ સુધી બંધ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા વાહન ચાલકોની સગવડતા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં ફતેગંજથી સેફરોન ટાવરથી કાલાઘોડા તરફ થઈને સ્ટેશન બાજુથી શહેરના પશ્ચિમ વિસ્તાર અલકાપુરી તરફ જઈ શકાય છે. આ ડાયવર્ઝનના રસ્તે પીક અવર્સ દરમિયાન  ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાયા કરે છે. ફતેગંજ મેઇન રોડ પર ખાણી-પીણીની લારીઓ – ગલ્લા સમી સાંજથી ધમધમતા થઈ જાય છે. બે રોકટોક ધમધમતા  લારી – ગલ્લા  સામે પાલિકા તંત્ર પણ કોઈ કાર્યવાહી કરતી નથી. ડાયવર્ઝનના રસ્તેથી ખાણીપીણીની લારીઓ ગલ્લાવાળાને તાત્કાલિક ધોરણે હટાવવા માગ ઊઠી છે.

શહેરના ફતેગંજ મેઈન રોડ પર  નાની મોટી હોટલો અને રેસ્ટોરન્ટો આવેલી છે. આવી હોટલો અને રેસ્ટોરન્ટો માટે પાર્કિંગની કોઈ સુવિધા નથી. પરિણામે ખાણીપીણીની મોજ માણવા આવતા ગ્રાહકો પોતપોતાના નાના મોટા વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોય છે. પરિણામે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. આ રસ્તા પરના ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરવા સહિત રેસ્ટોરન્ટો અને નાની મોટી હોટલો પાસે આડેધડ પાર્ક થતા વાહનો અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.