અમદાવાદના શાસ્ત્રીબ્રિજની મરામત માટે એક તરફનો રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો
અમદાવાદઃ શહેરના સરખેજથી વિશાલા થઈને નારોલ તરફ જતાં હાઈવે પર શાસ્ત્રીબ્રિજના સમારકામ માટે હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે ટ્રાફિકના નિયમન માટે પોલીસની હાજરી જોવા મળતી નથી.
અમદાવાદ શહેરના નારોલ-વિશાલા-સરખેજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર શાસ્ત્રી બ્રિજ સમારકામ માટે એક તરફ બંધ કરવામાં આવ્યો છે. વિશાલા સર્કલથી નારોલ તરફ જતો એક તરફનો માર્ગ બંધ કરી નારોલ તરફથી વિશાલાનો એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. બ્રિજના સમારકામના કારણે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવતા વાહનોનો ટ્રાફિકજામ થયો હતો. જેના કારણે વાહનોની અડધો કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બ્રિજ પર એક તરફનો ટ્રાફિક બંધ કરાતા ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં પણ ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં મોટી સંખ્યામાં ભારે વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ એક તરફ રોડ ચાલુ હોવાથી ટ્રાફિકજામ પણ ખૂબ જ થઈ રહ્યો છે. નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થતાં વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી શાસ્ત્રી બ્રિજ પર ટ્રાફિકજામ થાય છે. તેમ છતાં પણ ટ્રાફિક પોલીસ ગેરહાજર હોવાની ફરિયાદો આવે છે. વિશાલાના શાસ્ત્રી બ્રિજ પર ટ્રાફિકજામના રોજના 4થી 5 કંટ્રોલ મેસેજ મળી રહ્યા છે.
નેશનલ હાઈવે ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ હાઈવે પરના વિશાલા બ્રિજ (શાસ્ત્રીબ્રિજ)ને મરામત માટે એક સપ્તાહ સુધી એક તરફનો રોડ બંધ કરાયો છે. તેથી વાહનચાલકોને ખૂબ ધીમી ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી રહી છે. એટલે વાહનોની લાઈનો જોવા મળી રહી છે. આ મુશ્કેલી હજુ ત્રણ-ચાર દિવસ રહેશે.