પાલનપુરઃ જિલ્લાના થરાદમાં પાણીના ટાંકાથી દૂધશિત કેન્દ્ર સુધીના હાઈવે પર રોડ મરામતની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. હાઈવે પર ડાયવર્ઝન અપાયા વિના મરામતની કામગીરી હાથ ધરાતા હાઈવે પર અવાર-નવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આથી જ્યાં સુધી ફોરલેન રોડની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન આપવા માંગ પ્રજાજનો અને વાહનચાલકો કરી રહ્યા છે.
બનાસકાંઠામાં થરાદમાં હાઈવે પર પાણીના ટાંકાથી કેનાલ સુધી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે ઠેકઠેકારણે નાળાંની કામગીરી ચાલી રહી છે. જેને કારણે એક બાજુનો રોડ સદંતર બંધ થઇ જતો હોય છે. જો કે મુખ્ય રોડની કામગીરી કરવાની હોય ત્યારે સર્વિસ રોડ પહેલાં કરવા જોઇએ અને ભારે વાહનોને પણ ડાયવર્ઝન આપવું જોઇએ કે જેથી નાનામોટા વાહનચાલકોને અટવાવનું ન પડે સરળતાથી વાહનવ્યવહાર ચાલતો હોય તો રોડની કામગીરીમાં પણ મુશ્કેલીઓ ન પડે.પરંતુ તંત્રને પ્રજાની પીડાઓ સમજાતી નથી.
સ્થાનિક લોકોના કહેવા મુજબ થરાદમાં પાણીના ટાંકાથી હાઈવે મરામતની કામગીરી ચાલી રહી છે. જેમાં ડાયવર્ઝન આપ્યા વિના રોજ મરામતથી કામગીરી હાથ ધરાતા અવાર-નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય રહ્યા છે. તેમજ રોજ મરામતનું જે કામ થઈ રહ્યું છે. જેના લીધે ધૂળ ઉડે છે. અને પાણી છાંટવાની તસ્દી પણ તસ્દી લેવામાં આવતી નથી. સોમવારે ભર બપોરે હાઇવે પર રોડની કામગીરી દરમિયાન ચાર રસ્તાથી રેફરલ ત્રણ રસ્તા સુધી વાહનોની લાંબી કતારો લાગતાં એક કિમી જેટલો ટ્રાફિક જામ થયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાઇવે પર ટ્રાફિક થતાં વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા. રોડની કામગીરી તાત્કાલિક ધોરણે પુર્ણ કરવામાં આવે અને જ્યાં સુધી ફોરલેન રોડની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી ડાયવર્ઝન આપવા માંગ પ્રજાજનો અને વાહનચાલકો કરી રહ્યા છે.