ગાંધીનગરઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણથી 2જી મેના રોજ લેવાનારી પરીક્ષા મોકુફ રખાઈ છે. પરીક્ષાની નવી તારીખ કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.
રાજ્યમાં ધોરણ 6 અને 9ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારના એમએસઆરડી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. તેના માટે એમએચઆરડી દ્વારા નિયત કરેલી શિષ્યવૃત્તિની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. પરીક્ષામાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો પુછવામાં આવતા હોય છે. શિષ્યવૃત્તિની પરીક્ષા માટે સરકારી શાળાના ધોરણ-6માં અભ્યાસ કરતા હોય તમામ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. તેજ રીતે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના ધોરણ-9માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ નિયત કરેલી તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું હોય છે.
ફોર્મ ભરાયા બાદ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પુછવામાં આવે છે. શિષ્યવૃત્તીની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના જે એમએચઆરડીએ નિયત કરેલા ગુણમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ-6 અને ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લેવાનાર શિષ્યવૃત્તિની પરીક્ષા તારીખ 2મી, મે-2021ના રોજ લેવાની હતી. પરંતુ વર્તમાન કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે શિષ્યવૃત્તિની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર હવે પછી જાહેર કરવામાં આવશે તેમ રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે જણાવ્યું છે.