ગાંધીનગરઃ ગુજરાતમાં કડકડતી ઠંડીમાં સવારની સ્કુલોના વિદ્યાર્થીઓને કેટલાક શાળા સંચાલકો ડ્રેસકોડ મુજબ સ્વેટર પહેરવાની ફરજ પાડી રહ્યા હતા. જે સ્વેટર કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને પુરતું રક્ષણ આપી શકે તેમ ન હોવાથી વિદ્યાર્થીઓ ઠંડીનો સામનો કરવો મુશ્કેલ બન્યો હતો. રાજકોટની વિદ્યાર્થિનીને આવેલા હાર્ટ એટેક પાછળ સ્કૂલ દ્વારા નક્કી કરાયેલું સ્વેટર પણ જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે કે, સ્કૂલો હવે યુનિફોર્મ મુજબ જ સ્વેટર પહેરવાની કે સ્કૂલ દ્વારા નક્કી કરાયેલું સ્વેટર પહેરવાની ફરજ પાડી શકશે નહીં. આ સાથે ઉચ્ચ શિક્ષણમંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઠંડીના સમયમાં સ્કૂલો સંલગ્ન જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લઈ સવારના સમયમાં ફેરફાર કરી શકે છે. સ્કૂલો દ્વારા ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવા જ ફરજ પાડવા મુદ્દે પુછાયેલા પ્રશ્નનો ઋષિકેશ પટેલે જવાબ આપતા કહ્યું હતું કે, શાળાઓ ચોક્કસ પ્રકારનું સ્વેટર કે જેકેટ પહેરવા ફરજ પાડી શકે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્કૂલો યુનિફોર્મ તો નક્કી કરે છે, પણ શિયાળામાં કેવા પ્રકારનું સ્વેટર કે જેકેટ પહેરવું તે પણ નક્કી કરે છે. કેટલાક સંજોગોમાં સ્કૂલોએ નક્કી કરેલું સ્વેટર કડકડતી ઠંડી સામે યોગ્ય રક્ષણ આપી શકતું નથી. તાજેતરમાં રાજકોટમાં એક વિદ્યાર્થિનીને ક્લાસમાં જ એટેક આવતાં મોત નિપજ્યું હતું. આ પછી સ્કૂલ દ્વારા નક્કી કરાયેલું સ્વેટર ઠંડી સામે પૂરતું રક્ષણ આપી શક્યું ન હોવાના આક્ષેપ થયા હતા. રાજ્યમાં 25 હજારથી વધુ પ્રાથમિક સ્કૂલોમાં 30 લાખ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 60 હજારથી વધુ સ્કૂલોમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેટલીક શાળાઓનો સમય સવારે 7 કલાકનો હોવાથી બાળકોને ઘરેથી જ સવારે સાડા છ કલાકે નીકળવું પડે તેવી સ્થિતિ છે. આવા સંજોગોમાં સ્કૂલો સવારે 8 વાગ્યા પછીનો સમય રાખે તો વિદ્યાર્થીઓને ઠંડીમાં સ્કૂલે જવામાં રાહત મળી શકે છે.
શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ ડીઈઓને સુચના આપી દીધી છે. અને તેમના દ્વારા પરિપત્ર પણ કરી દેવાયો છે. મોર્નિંગ શાળાઓ પોતાની રીતે શાળા સમયમાં ફેરફાર કરી શકે છે. તેમજ બાળકોને યુનિફોર્મ મુજબ સ્વેટર પહેરવાથી મુક્તિ આપવા પણ જણાવાયું છે.