અમદાવાદના પશ્વિમ વિસ્તારના શાળા સંચાલકોનો કોરોનાને લીધે સ્વયંભૂ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એમાં કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ પણ કોરોનાના સંક્રમણનો ભોગ બનતા પશ્વિમ વિસ્તારના શાળા સંચાલકોએ એક સપ્તાહથી પખવાડિયા સુધી સ્વયંભૂરીતે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક વિભાગના વર્ગો બંધ કરનારી સ્કૂલો પશ્ચિમ અમદાવાદની છે. પૂર્વ અમદાવાદની એકપણ જાણીતી સ્કૂલે હજુ નિર્ણય લીધો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. કોરોનાની આ નવી લહેરમાં શાળાના કેટલાક વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત બનતા કેટલાક શાળા સંચાલકોએ સ્વયંભૂ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શહેરના પશ્વિમ વિસ્તારની કેટલીક અગ્રણી શાળાઓએ તા.3 જાન્યુઆરીથી અઠવાડિયાથી 15 દિવસ સુધી પ્રાથમિક વિભાગના વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 25 કરતાં વધુ વિદ્યાર્થી-શિક્ષકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યાં છે. બાળકોમાં ચેપ ફેલાતો રોકવા સ્કૂલ સંચાલકોએ જાતે નિર્ણય લઈને એક અઠવાડિયાથી 15 દિવસ સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે. પ્રાથમિક વિભાગના વર્ગો બંધ કરનારી સ્કૂલો પશ્ચિમ અમદાવાદની છે. પૂર્વ અમદાવાદની એકપણ જાણીતી સ્કૂલે હજુ નિર્ણય લીધો નથી.
શહેરના ખાનગી શાળાના એક સંચાલકે જણાવ્યું હતું કે, ધો.1થી 5ના વિદ્યાર્થીઓને હવેથી માત્ર ઓનલાઇન ચલાવવા સૂચના આપીશું. કેસની સંખ્યા અને સ્થિતિની સમીક્ષા કરીને ઓફલાઇન વર્ગો ક્યારથી શરૂ કરવા તે નક્કી કરીશું. જ્યારે અન્ય એક શાળા સંચાલકે જણાવ્યું હતું કે,અમે સોમવારથી ધો.1થી 8ના વર્ગો ઓફલાઇન બંધ કરીશું. કોરોનાની સ્થિતિ વિશે મેનેજમેન્ટ રિવ્યૂ કરશે, ત્યારબાદ ઓફલાઇન વર્ગો અંગે નિર્ણય લઇશું.