Site icon Revoi.in

વઢવાણના વસ્તડી ગામ પાસે ભોગાવો નદીમાં સ્કુલબસ ફસાઈ, 30 બાળકોનું રેસ્ક્યુ કરાયું

Social Share

સુરેન્દ્રનગરઃ વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે ભાદર નદી પરનો પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો ક્રોસ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ ડાયવર્ઝનના ખાડામાં પડી જતા બસમાં સવાર 30 વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાની જાણ થતા ગામલોકો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને બસની બારીમાંથી અને ડ્રાઈવરના દરવાજામાંથી બહાર કાઢી બચાવ્યા હતા. બસ જે જગ્યા ફસાઈ હતી તેની બાજુમાં જ સાત ફૂટ પાણી ભરેલું હતું. સદનસીબે બસ પલટી ન જતા મોટા જાનહાનિ સર્જાતા અટકી હતી.

વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે એક વર્ષ પહેલા ભાદર નદી પરનો પુલ તૂટ્યા બાદ તંત્ર દ્વારા અહીં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્યારે પણ વરસાદ પડે ત્યારે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ગ્રામજનો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરતા હોય છે. દરમિયાન આજે સવારના સમયે કાચા ડાયવર્ઝન પર સ્કૂલ બસ ફસાઈ હતી. જેની ડાબી તરફ 7 ફૂટ પાણી ભરેલું હતું. જ્યારે જમણી તરફ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા. દરવાજો ડાબી તરફ હોવાથી વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળી શકે તેમ ન હતા. જેથી ગામલોકોએ ઘટનાસ્થળ પર પહોંચી બસની જમણી તરફની બારીમાંથી જ વિદ્યાર્થીઓને બહાર કાઢી બચાવ્યા હતા.

વસ્તડી ગામ પાસે ભાદર નદીનો પુલ તૂટ્યા બાદ તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા કેટલાક સ્થળો પર ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. સ્થાનિક લોકોને ચુડા અને વઢવાણ જવા માટેનો આ નજીકનો રસ્તો હોવાથી ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું હોવા છતા લોકો અને વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ત્યારે આજે અહીંથી 30 વિદ્યાર્થીઓ સાથેની સ્કૂલ બસ પસાર થતી સમયે ફસાતા બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. આજે જે ડાયવર્ઝન પર સ્કૂલ બસ ફસાઈ હતી ત્યાં જ ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે 6 લોકો સાથે એક બોલેરો ફસાઈ હતી. સદનસીબે જે તે સમયે પણ લોકોએ બોલેરોમાં સવાર તમામ લોકોને બચાવી લીધા હતા.