Site icon Revoi.in

ગુજરાતમાં તમામ શાળાઓને ફાયર એનઓસી 30 દિવસમાં મેળવી લેવા સ્કૂલ કમિશનરે કર્યો આદેશ

Social Share

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય બન્યું છે. ગુજરાતની તમામ સ્કૂલોને આગામી 30 દિવસમાં ફાયર અને એનઓસી મેળવી લેવા માટે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા તાકીદ કરવામાં આવી છે. રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યના સ્કૂલ કમિશનર દ્વારા અગાઉ દરેક સ્કૂલોમાં ફાયર સેફટીને લગતી વ્યવસ્થા અને બી.યુ. પરવાનગી છે કે નહીં તેની ચકાસણી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. હવે દરેક જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી છે કે, આગામી 30 દિવસમાં દરેક સ્કૂલોએ ફાયર એનઓસી મેળવી લેવાનું રહેશે. કચેરી દ્વારા આ અંગે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે, જેમાં બે કે તેથી વધારે માળ ધરાવતી સ્કૂલોએ ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાનો રહેશે. જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તેણે સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરીને પાળી બદલવાની રહેશે. આ ઉપરાંત જે સ્કૂલમાં આધુનિક અને ઓનલાઈન શિક્ષણ આપવાની વ્યવસ્થા હોય તેઓ ઓનલાઈન શિક્ષણ પણ આપી શકશે. જે શાળાનો ફલોર એરિયા 500 ચો.મી.થી વધુ હોય તેવી શાળાઓએ શકય હોય તો 500 ચો.મી.થી વધુ હોય તેવી શાળાઓએ શકય હોય તો 500 ચો.મી.થી ઓછા ફલોર એરિયાનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાનો રહેશે.

ગાઈડ લાઈનમાં જણાવ્યા મુજબ  શાળા સમય દરમિયાન આગ લાગી શકે કે પ્રસરી શકે તેવા જવલનશીલ પદાર્થ કે વસ્તુઓ રાખી કે તેવી કોઈ પ્રવૃતિ કરી શકાશે નહી. શાળા પરિસરમાં આવેલી પેન્ટ્રી, રસોઈ ઘર, કેન્ટીનનો આ સમયગાળા દરમિયાન ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી છે. ઈલેકટ્રીક સીટીના મંજુર થયેલા લોડ પ્રમાણે જ સાધનોનો ઉપયોગ કરવો. વધુ વપરાશ ટાળવો, શાળામાં શૈક્ષણિક કાર્ય દરમિયાન પુરતી હવા ઉજાસ જળવાઈ રહે, બારી-બારણા ખુલ્લા રહે તેની તકેદારી રાખવી, શાળાઓમાં ફાયર સેફટી પ્લાન સરળ ભાષામાં તૈયાર કરીને યોગ્ય જગ્યાએ પ્રદર્શિત કરવાનો રહેશે. શાળાઓએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સાથે રહીને મોક ડ્રીલ કે તાલીમનું આયોજન કરવાનું રહેશે. આ તમામ તકેદારી રાખ્યા પછી પણ કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદાર શાળાની રહેશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.

તમામ સ્કૂલોએ નિશ્ર્ચિત સમયગાળામાં ફાયર એનઓસીની મંજુરી અને ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા કરવાની રહેશે અન્યથા શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે શાળાઓએ ફાયર એનઓસી માટે અરજી કરી નથી તેઓએ 10 દિવસમાં અરજી કરવાની રહેશે.