Site icon Revoi.in

શાળા પ્રવેશોત્સવઃ પ્રથમ દિવસે ધો-1માં 2 લાખથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તા. 23 થી 25 જૂન દરમિયાન 17 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 2,00,399 બાળકોએ પ્રાથમિક શાળામાં ધો-1માં પ્રવેશ મેળવ્યો હતો

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ 19182 મહાનુભાવોએ 8132 ગામોની 10600 શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રાથમિક શાળામાં ધો.1માં 1,01,606 કુમારો અને 98793 કન્યા મળી કુલ 2,00,399 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે 409 કુમાર અને 248 કન્યા મળી કુલ 657 દિવ્યાંગ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

નાગરિકો દ્વારા રોકડ રૂ. 87.93 લાખ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિંમત રૂ. 8.97 કરોડનો લોકસહકાર–દાન પ્રાપ્ત થયુ છે. એટલે કે રોકડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ. 9.85 કરોડથી વધુની રકમનો લોકસહકાર આ કાર્યક્રમ અંતર્ગત મળ્યો છે. રાજ્યભરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ પણ થયા છે.

નવનામાંકિત બાળકોના કપાળે તિલક કરવામાં આવ્યા હતાં તથા મીઠાઇઓ અને ચોકલેટ દ્વારા તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. નવનામાંકિત બાળકોને મફત પાઠયપુસ્તકો તથા સ્થાનિક વ્યકિતઓ/સમુદાયો ધ્વારા સ્કૂલ બેગ, પાટી−પેન, નોટબૂક, પેન્સિલ, યુનિફોર્મ તથા રમકડા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં.

મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે સમાજમાં દિકરીઓને શિક્ષણ આપવા માટે કેળવાયેલી જાગૃતતા આજે શાળા પ્રવેશોત્સવમાં જોવા મળી છે. ખૂબ જ ઉત્સાહ સાથે દિકરીઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે વાલીઓ આવ્યા હતા. આવી જ રીતે સમગ્ર વર્ષ દરમિયાન શાળા-શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જોડાણ બની રહે તેવી લાગણી છે.

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. 8.46 કરોડના ખર્ચે 141 નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત રાજ્યભરમાં 823 શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની પણ શરૂઆત કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં નાના ભૂલકાને પણ પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યભરની આંગણવાડી-બાલમંદિરમાં 84736 ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો.