અમદાવાદઃ રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 12, 13 અને 14 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી જિલ્લાની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી વિશેષ કામગીરીની શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા યોગ્ય નિરિક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા સાથે શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં પ્રવેશોત્સવ એક જ્ઞાનયજ્ઞ બની રહે તે જોવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. કેટલાંક રચનાત્મક સૂચનો સાથે ખૂટતી કડીઓને જોડવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો હતો. જે બાદ દર વર્ષે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લે છે, સમગ્ર રાજ્યમાં બાળકોનો શાળામાં પ્રવેશ કરાવે છે.
દરમિયાન ડાંગ જિલ્લામા આંગણવાડી કક્ષાએ પર્યાવરણને અનુલક્ષીને વિવિધ પ્રવૃતીઓ યોજાઇ હતી. પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા એક નવા અભિગમ સાથે બાળકોમાં પ્રકૃતિની જાળવણીના સંસ્કારનું સુચારૂં સિંચન થાય તે માટે ૧ જૂન થી ૫ જૂન સુધી આંગણવાડી કક્ષાએ પર્યાવરણને અનુલક્ષીને વિવિધ થીમો આધારિત પ્રવૃતિઓ કરવાનું નક્કી કરાયું હતું. જેમાં મુખ્ય પ્રવૃતિઓનાં ભાગરૂપે વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ વિષય અન્વયે ચિત્ર સ્પર્ધા, કુડામાં/વાટકામાં બીજ અંકુરણ પ્રવૃતિ, બાળકો સાથે નેચર વોક, ચકલી માટે માળા બનાવી વૃક્ષ અને ઘરના આંગણામાં મુકવા વગેરે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું. ડાંગ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોએ વિશ્વ પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરી નવીનતમ અભિગમને પ્રોત્સાહન આપી પર્યાવરણ જતન કરવા સંકલ્પબદ્ધ થયા છે.