મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થાનગઢના સરોડી પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 21મા રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024ના ત્રીજા દિવસે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના છેવાડાના સરોડી ગામની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ ધોરણ-1માં 21 કુમાર તથા 25 કન્યા મળીને કુલ 46 તથા બાલવાટિકામાં 20 કુમાર તથા 17 કન્યા મળીને કુલ 37 બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યના વિવિધ જિલ્લામાં છેવાડાના ગામો તથા સુરેન્દ્રનગર જિલ્લાનાં છેવાડાનાં ગામ સરોડીએ વિકાસના અનેક કામોથી જિલ્લાના પહેલા ગામ તરીકેની ઓળખ મેળવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો, આજે તેનું 21મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આટલા વર્ષોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ખૂબ સારું થયું છે અને વિદ્યાર્થીઓ શાળામાં સારું શિક્ષણ મેળવીને ડૉક્ટર, એન્જિનિયર બની રહ્યા છે. રાજ્યના છેવાડાના વિસ્તારમાં આદિવાસી દીકરા-દીકરીઓ પણ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. સરકારી યોજનાઓનો લાભ લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે તેના માટે વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જે પ્રયત્નો કર્યા, તેનાં સારા પરિણામ આજે જોવા મળી રહ્યા છે. શાળાઓમાં સો ટકા નામાંકન માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે સરાહનીય છે.
રાજ્ય સરકારે શરૂ કરેલી ‘નમો લક્ષ્મી’ તથા ‘નમો સરસ્વતી’ યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘નમો લક્ષ્મી’ યોજના ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે છે. આ તમામ ધોરણમાં ઉત્તીર્ણ થનારી વિદ્યાર્થિનીઓને સરકાર દ્વારા રૂ. 50 હજારની સહાય આપવામાં આવશે. જ્યારે ‘નમો સરસ્વતી’ યોજના ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરી તથા દીકરા બંને માટે છે. જેમાં આ બંને ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીને રૂ. ૨૫ હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. જે દિકરીને ‘નમો લક્ષ્મી’ યોજનાનો લાભ મળ્યો છે તેને આ યોજનાનો પણ લાભ મળી શકશે.
સામાજિક ઉત્થાન માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત હોવાનું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને વિકસિત બનાવવાનો નિર્ધાર કર્યો છે, વિકસિત ભારતના પાયામાં પણ શિક્ષણ એટલું જ જરૂરી છે. મુખ્યમંત્રીએ સરોડી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કરાઇ રહેલી કામગીરીની સરાહના કરી હતી, સાથે છાત્રોની પ્રગતિ અને શિસ્તને પણ બિરદાવી હતી.
શાળામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાંઓનો ઉત્સાહ વધારતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે, શિક્ષકમાં અમાપ શક્તિઓ સમાયેલી છે. સામર્થ્યવાન શિક્ષક વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે ધારે તે કરી શકે છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, “બાળકોને શિક્ષણ આપવું એટલે બાળકોને ચાહવા” ત્યારે શાહબુદ્દીન રાઠોડે શિક્ષકોને નિષ્ણાત અને ચારિત્ર્યવાન બનવાની સાથે વિદ્યાર્થીઓ માટે હંમેશા પ્રેમ રાખવાની પ્રેરણા આપી હતી.