અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકાના રિઝર્વ ક્વાટામાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકારે ગરીબ પરિવારના વાલીની આવકનું જે ધારધારણ નક્કી કર્યું છે. એમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાલીની આવક વાર્ષિક 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ છે. એટલે વાલીઓની આવક મર્યાદા થોડી વધારવામાં આવે તેવી શાળા સંચાલક મંડળે માગ કરી છે.
રાજ્યમાં ખાનગી સ્કૂલોમાં દર વર્ષે RTE હેઠળ ધોરણ 1માં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકને પ્રવેશ આપવામાં આવે છે. ખાનગી સ્કૂલોના એક વર્ગની 25 ટકા બેઠકોમાં RTE હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ વાર્ષિક અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ રાખવામાં આવી છે. આ આવક મર્યાદા વધારીને ગ્રામ્યમાં 1.50 લાખ તથા શહેરી વિસ્તારમાં 2 લાખ કરવા સંચાલક મંડળ દ્વારા માગ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 2012થી પ્રવેશ આપવના શરૂ કરવામાં આવ્યા છે. જ્યારથી શરૂઆત થઈ ત્યારથી ગ્રામ્ય વિસ્તારમાં વાલીની આવક 1.20 વાર્ષિક મર્યાદિત રાખવામાં આવી છે. જ્યારે શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા 1.50 લાખ રાખવામાં આવી છે. આટલા વર્ષમાં મોઘવારી વધી છે, જેથી વાલીઓની આવકમાં સામાન્ય વધારો થયો છે. જેથી વાર્ષિક આવક 1.20 લાખ અન 1.50 લાખ કરતાં વધી છે. પરંતુ મોઘવારી વધી છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદામાં 30 હજારનો વધારો અને શહેરી વિસ્તારમાં 50 હજારનો વધારો કરવા માગ કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 1માં 40 વિદ્યાર્થીઓની સંખ્યા છે જે વધારી 60 કરવા પણ માગ કરવામાં આવી છે.