અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજ બંધ છે. બીજી તરફ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. હવે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન અનુસાર સ્કૂલ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પીજી અને યુજીના છેલ્લા વર્ષના છેલ્લા વર્ષનું શિક્ષણકાર્ય પણ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં આ વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહીં આવે. જેટલુ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યું છે એટલા અભ્યાસક્રમની પરીક્ષા લેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ અને કોલેજ શરૂ કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. અંતે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને ધો-12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુજી અને પીજીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ કોલેજ શરૂ કરવામાં આવશે. જો કે, વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજિયાત નહીં હોય. જેથી ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ શાળામાં આવવા માટે વાલીઓની સંમતિ મેળવવાની રહેશે અને તે માટે ફોર્મ ભરવાનું રહેશે. બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. આગામી દિવસોમાં તબક્કાવાર સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનું પણ સરકારનું આયોજન છે.
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થશે. કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શાળા કોલેજો ખુલશે. ગુજરાતમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે. જેટલું ભણાવીશું તેટલાની પરીક્ષા લેવામાં આવશે.