Site icon Revoi.in

રાજ્યમાં વડોદરા સિવાય સ્કૂલવાનચાલકોની હડતાળ, વાલીઓએ બાળકોને સ્કૂલે મુકવા જવું પડ્યું,

Social Share

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા સરકારી તંત્રએ ફાયર એનઓસી ન હોય તેવા બિલ્ડિંગો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. તેમજ સરકારની સુચનાથી આરટીઓએ પણ પરમિટ વિના ચાલતી સ્કુલવાનો સામે પણ ઝૂંબેશ હાથ ધરતા સ્કૂલવાનચાલકો નારાજ બન્યા હતા. સ્કૂલવાનચાલકોએ પરમિટ માટે બેઃત્રણ મહિનાનો સમય આપવાની માગ કરી હતી. પણ આરટીઓએ માગ ન સ્વીકારતા આજે રાજ્યભરના સ્કુલવાનચાલકો હડતાળ પર ઉતર્યા છે. તેના લીધે આજે વાલીઓને પોતાના બાળકોને શાળાએ મુકવા અને લેવા માટે  દોડધામ કરવી પડી હતી. જોકે સ્કૂલવાનચાલકોની હડતાળમાં વડોદરાના સ્કુલવાનચાલકો જોડાયા નથી.

સ્કૂલોમાં ઉનાળું વેકેશન ખુલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે સ્કૂલ વાહન એસોસિએશને આજથી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં સ્કુલવાનચાલકો હડતાળ પર જતાં વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.  સુરતમાં આજે વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે આવ્યા હતા. નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એક વાલીએ જણાવ્યું હતું કે, ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જ્યારે વડોદરામાં સ્કૂલ વાહનચાલકો હડતાળમાં જોડાયા નથી અને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા આવ્યા હતા.

અમદાવાદમાં પણ આજથી સ્કૂલવાનચાલકો હડતાળ પર ઉતર્યા હતા.  જેના કારણે વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. કેટલીક સ્કૂલની બહાર ટ્રાફિકજામના દૃશ્યો અને વાલીઓના વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. જ્યારે સ્કૂલવર્ધી એસોસિએશનનું કહેવું છે કે, અમે દિલગીર છીએ સરકારે પરમિટ માટે મુદત આપવી જોઈએ. દરમિયાન શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વાલીઓ અને ખાનગી સ્કૂલ વર્ધી ચાલકનો મામલો છે. આ મામલો RTOને લગતો છે. સમસ્યાના સમાધાન માટે RTOને જાણ કરીશું. જેથી ઝડપથી નિકાલ લવાશે. સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે RTO અને રાજ્ય સરકારની નબળાઈના કારણે આજે હડતાળ પાડી છે. છેલ્લા એક વર્ષથી અમે રજૂઆત કરતા હતા પરંતુ નિવેડો ના આવ્યો. રાજકોટની ઘટના બાદ તંત્ર ઓચિંતુ જાગ્યું છે. અમે બાળકોની સુરક્ષા માટે હડતાળ પાડી છે. RTOને વિનંતી કે, અમને થોડો સમય આપવામાં આવે. જે લોકો ગેરકાયદે ચલાવે છે એમની સામે કાર્યવાહી કરો. જ્યાં સુધી અમારી સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.