Site icon Revoi.in

ગાંધીનગરમાં સ્કુલબસના ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા કડક સુચના અપાઈ

Social Share

ગાંધીનગરઃ ડીજીના આદેશ બાદ હવે શહેરની પોલીસે પણ બેફામ દોડતા વાહનો સામે ડ્રાઈવ શરૂ કરી છે. ખાસ કરીને સ્કુલના વિદ્યાર્થીઓને લઈ જતાં વાહનો બેફામપણે દોડતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે સ્કુલના વાન અને સ્કૂલ બસના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમોનું અચૂકથી પાલન કરવા ટ્રાફિક પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. છાસવારે સ્કૂલ બસ અને સ્કૂલ વાનના અકસ્માતો સર્જાતા હોવાના પગલે ટ્રાફિક પીઆઈ જી કે ભરવાડે શહેરની શાળાના બસના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમનનાં પાઠ ભણાવી ફરજિયાત ટ્રાફિકના નિયમોનું અનુકરણ કરવાના આદેશો આપી કસૂરવાર સામે આકરો દંડ અને સજાની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે.

ગાંધીનગરમાં રોજબરોજ માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે. શહેરની સ્કૂલ બસ અને સ્કૂલ વાનનાં ડ્રાઇવરો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરીને બેફામ ગતિએ વાહનો હંકારતા હોવાના કારણે પણ ઘણીવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. શહેરમાં દોડતી સ્કૂલ બસ અને વાનનાં ડ્રાઇવરોની એક નાની અમથી ભૂલના કારણે બાળકોનાં જીવ જોખમમાં મૂકાઈ જતાં હોય છે. જેનાં પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ મથકના પીઆઈ જી.કે. ભરવાડે ગાંધીનગરની સ્કૂલ બસના ડ્રાઇવરો તેડું મોકલીને બોલવામાં આવ્યા હતા. પીઆઈ ભરવાડે સ્કૂલના ડ્રાઇવરોને સ્કૂલ વાહનોના નીતિ નિયમો મુજબ ટ્રાફિકના નિયમોનું અચૂકથી પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સ્કૂલ બસના ડ્રાઇવરો ઘણીવાર વહેલા પહોંચવાની લ્હાયમાં બેફામ ગતિએ બસ – વાન હંકારતા હોય છે. જેનાં કારણે નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે શહેરમાં ટ્રાફિકના નિયમોને અનુસરીને યોગ્ય ગતિ મર્યાદા સ્કૂલ બસ – વાન હંકારવા માટે ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત ખાસ કરીને સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા બકરાની જેમ પણ નહીં બેસાડવા માટે તાકીદ કરવામાં આવી છે. દિન પ્રતિદિન વધતા જતાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવાનાં ઉદ્દેશ સાથે સ્કૂલ બસના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમોના પાઠ પણ શીખવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં સ્કૂલ બસ કે વાનના ડ્રાઇવરો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પકડાશે સ્કૂલ બસ પણ ડીટેઈન કરીને આકરો દંડ ફટકારવામાં આવશે. તેમજ કસૂરવાર ડ્રાઈવર સામે સજાની જોગવાઈ અનુસાર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત સ્કૂલ સંચાલકોને પણ સ્કૂલ બસમાં નિયમ મુજબ નિયત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને બેસાડવાની તાકીદ કરાઈ છે. જેનું ઉલ્લંઘન કરનાર સ્કૂલની બસ પણ ડીટેઇન કરીને આકરો દંડ ફટકારવામાં આવશે.