Site icon Revoi.in

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોમાં શાળાઓ પણ બાકાત નથીઃ 30 શાળાના 447 રૂમ સીલ કરાયાં

Social Share

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે બાંધકામોમાં શાળાઓ પણ બાકાત રહી નથી. મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.એસ્ટેટ ખાતાએ બીયુ તથા ફાયર એનઓસી વગરની ઇમારતો સામે સીલ ઝુંબેશ શરૂ કરી તેમાં એવી માહિતી બહાર આવી છે કે, ગેરકાયદે બાંધકામો કરી બીયુ વગર જ વર્ગખંડ શરૂ કરી દેવામાં શાળાઓ પણ પાછળ નથી. મ્યુનિ.એ અત્યારસુધીમાં 30 સ્કૂલનાં 447 રૂમ સીલ કરી દેતાં સ્કૂલ સંચાલકો પણ રાજકીય શરણ શોધતા થઇ ગયાં છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી કેટલીય સ્કૂલોમાં મનફાવે તેમ ગેરકાયદે બાંધકામો કરીને વર્ગખંડ અને અન્ય રૂમો બનાવી દેવાયાં છે, જેની બીયુ મેળવવામાં આવી નથી. આવા સ્કૂલ સંચાલકો રાજકીય પક્ષ સાથે જોડાયેલાં હોય કે રાજકીય આગેવાનો સાથે સંબંધ ધરાવતાં હોવાથી તેમની સામે પગલાં લઇ શકાતા નહોતા, પરંતુ હવે તો હાઇકોર્ટે છુટો દોર આપ્યો છે તેના આધારે સ્કૂલોને પણ નિયમો બતાવી શકાયા છે. અત્યારસુધીમાં સાતેય ઝોનમાં કુલ મળીને 30 જેટલી સ્કૂલોનાં 447 જેટલાં રૂમને સીલ મારી દેવામાં આવ્યા છે, જેને અટકાવવા ભારે ધમપછાડા થયાં હતા, પરંતુ હાઇકોર્ટનાં કારણે રાજકીય આગેવાનો પાછા પડી રહ્યાં છે. જોકે, પશ્ચિમ ઝોનમાં એક સ્કૂલમાં બે બિલ્ડિંગમાં થયેલાં વધારાનાં બાંધકામની બીયુ નથી તેમ છતાં એક જ બિલ્ડિંગમાંનાં બાંધકામને સીલ મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક આગેવાનોએ કર્યો હતો.

બીજી બાજુ મ્યુનિ.એસ્ટેટ ખાતા દ્વારા બીયુ વગરની તથા ફાયર એનઓસી વગરની ઇમારતો સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ જારી રાખવામાં આવી હતી અને 12 ઇમારતમાં  124 એકમને સીલ મારી દેવામાં આવ્યા હતા.

દરમિયાનમાં મ્યુનિ.કમિશનરે એસ્ટેટ-ટીડીઓ ખાતા ઉપર નારાજગી વ્યક્ત કરતાં સાતેય ઝોનનાં એસ્ટેટ ખાતા દ્વારા હવે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. તો અમુક ઝોનમાં મ્યુનિ.પ્લોટનાં કબજા લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.