બાળકોમાં ઝડપથી ફેલાતો આઈ ફ્લૂ,નાગાલેન્ડના ત્રણ જિલ્લામાં આજથી શાળાઓ બંધ
દિલ્હી: નાગાલેન્ડમાં આઈ ફ્લુ (આંખના ચેપ)ના વધતા જતા કેસો વચ્ચે રાજ્યના ત્રણ જિલ્લાઓએ સોમવારથી એક અઠવાડિયા માટે શાળાઓ બંધ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના દીમાપુર, ચુમૌકેદીમા અને નુઈલેન્ડ જિલ્લામાં 26 ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેશે.
નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ (NPCB&VI) ના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર હોઈતો સેમાએ જણાવ્યું હતું કે આસામ રાઈફલ્સના જવાનો જુલાઈમાં ફેક જિલ્લામાં રજા પરથી પાછા ફર્યા હતા અને તેમનામાં આંખના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો.
પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું કે 1 જુલાઈથી રાજ્યમાં 1,006 કેસ નોંધાયા છે, જે તાજેતરના સમયમાં સૌથી વધુ છે. તેમણે જણાવ્યું કે દીમાપુરમાં સૌથી વધુ 721 કેસ નોંધાયા છે. આ પછી કોહિમામાં 198 અને મોકોકચુંગમાં 87 કેસ નોંધાયા છે. સેમાએ જણાવ્યું હતું કે નેત્રસ્તર દાહ અથવા આંખના ચેપના કેસો વધવાની સંભાવના છે, કારણ કે ઘણી જિલ્લા હોસ્પિટલોએ હજુ સુધી અહેવાલો સબમિટ કર્યા નથી.
શાળાઓ બંધ કરવાની જાહેરાત કરતા ચુમોકેડિમા, દીમાપુર અનેનુઈલેન્ડના ડેપ્યુટી કમિશનરોએ અલગ-અલગ આદેશોમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને બાળકોમાં નેત્રસ્તર દાહ (આઈ ફ્લૂ)ના કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ અને શાળા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી ચેપ ફેલાતો અટકે નહીં ત્યાં સુધી શાળાના વર્ગો સ્થગિત રહેશે. જો કે, ડેપ્યુટી કમિશનરોએ શાળા સત્તાવાળાઓને આ સમયગાળા દરમિયાન ઓનલાઈન વર્ગો ચલાવવા જેવો વિકલ્પ શોધવા અપીલ કરી છે.