અમદાવાદ: રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારના તમામ વિભાગો એલર્ટ બન્યા છે. ત્યારે શાળાઓમાં પણ ફાયર એનઓસી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આગામી 13 જૂન સુધી ઉનાળુ વેકેશન છે અને ત્યારબાદ શાળાઓ શરૂ થશે તે પહેલાં શાળાઓને ફાયર NOC મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના આદેશને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના અધિકારીઓની ટીમ દોડાવી છે અને શાળાઓને ફાયર NOC મામલે તાકીદ કરવામાં આવી છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીમાં શાળાઓએ ફાયર એનઓસી મેળવી લેવાના આદેશ આપવામાં આવ્યા છે. શાળાનું નવું શૈક્ષણિક સત્ર આગામી 13 જુનથી શરુ થઈ રહ્યું છે તે પહેલા ફાયર એનઓસીના આદેશ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ફાયર સેફ્ટીના નિયમ પ્રમાણે 9 મીટર કે 9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી સંસ્થાઓની બિલ્ડિંગમાં લઘુત્તમ ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ તે ચકાસવા તપાસ અધિકારીને સુચના આપવામાં આવી છે.તેમજ ફાયર એક્સટિંગ્યુશર એક્પાયર થયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત શાળના સંચાલકે ફાયર એનઓસીનું સેલ્ફ ડિક્લેરેશન આપવું ફરજિયાત છે. શૈક્ષણિક સંસ્થા 9 મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતી હોય તેમજ એમા જો બેઝમેન્ટ હોય તો તેનું ક્ષેત્રફળ 200 ચો. મીથી વધુ હોય તેવા કિસ્સામાં ફાયર અધિકારી પાસેથી ફાયર સેફ્ટી સર્ટીફીકેટ નિયમ અનુસાર મેળવવું ફરજિયાત છે. આ મામલે જો કોઈ શાળા બેદરકાર પુરવાર થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી છે
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત મહાનગરોમાં ઘણીબધી શાળાઓમાં ફાયર સિસ્ટમ લગાવવામાં આવી નથી કે ફાયર વિભાગની એનઓસી પણ લેવામાં આવી નથી. આવી શાળાઓને તાકીદ કરવામાં આવી છે. અને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ ફાયર સિસ્ટમ ઈન્સ્ટ્રોલ કરાવવી પડશે. અને ફાયર એનઓસી મેળવીને તેની જાણ શિક્ષણ વિભાગની કરવી પડશે