રાજ્યમાં ધો.9થી12ની દ્વિતિય અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળાઓ તૈયાર કરશે
ગાંધીનગરઃ રાજ્યમાં ધો.9થી12ની સત્રાંક ( દ્વિતિય) પરીક્ષા તેમજ ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો હવે જે તે શાળાઓ દ્વારા જ તૈયાર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ પરિપત્ર જાહેર કરી ધો.9થી 12ની શાળાકીય કક્ષાએથી લેવાતી દ્વિતીય પરીક્ષા અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળા કક્ષાએથી જ તૈયાર કરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. જાન્યુઆરીમાં લેવાનારી દ્વિતીય સત્રની પરીક્ષાઓ અને 9 તથા 11ની વાર્ષિક પરીક્ષાઓ પણ બોર્ડના પ્રશ્નપત્રોથી નહીં લેવામાં આવે. સંચાલકોની રજૂઆતને પગલે બોર્ડે સરકારની મંજૂરીથી હવે પછીની તમામ શાળાકીય પરીક્ષાઓ પોતાના જ પ્રશ્નપત્રોથી લેવા માટે પરિપત્ર કર્યો છે.
સૂત્રના જણાવ્યા મુજબ અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીઓનું આયોજન આખા રાજ્યમાં તમામ ખાનગી તેમજ સરકારી શાળાઓમાં એક જ સમયે એકસમાન ટાઈમટેબલ સાથે લેવાના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ ખાનગી શાળાઓએ પોતાની રીતે એકમ કસોટી લેવાની શિક્ષણ વિભાગને માગણી કરતા સરકારે ખાનગી શાળાઓને પોતાની રીતે એકમ કસોટી લેવા મંજૂરી આપી હતી. ધો.9 અને 10માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાન તથા ધો.11 અને 12માં ગણિત, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અંગ્રેજી, નામાના મૂળતત્ત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયોની પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રોથી લેવામાં આવે છે. બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરી જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે છે અને ડીઈઓના મોનિટરિંગમાં શાળાઓમાં પરીક્ષા લેવાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જાન્યુઆરીમાં લેવાનારી બીજા સત્રની પરીક્ષાઓને લઈને પણ શાળાઓએ પોતાની રીતે પરીક્ષા લેવાની માગણીઓ કરી હતી જેને પગલે શિક્ષણબોર્ડે હવે પછીની ધોરણ 9થી12ની દ્વિતીય-પ્રિલિમ પરીક્ષા અને ધોરણ 9 તથા 11ની એપ્રિલમાં લેવાનારી વાર્ષિક પરીક્ષા સંપૂર્ણ રીતે શાળાને પોતાની રીતે લેવા છૂટ આપી દીધી છે. શાળા સંચાલકોએ લોકલ લેવલે જ પેપર તૈયાર કરવાની છૂટ આપવાની સરકાર પાસે માગ કરી હતી.