આંઘ્રપ્રદેશમાં મહિનાઓ બાદ આજથી ખુલશે શાળાઓ, પ્રથમ દિવસને ઉત્સવની જેમ મનાવવા અનેક કાર્યક્રમોનું આયોજન
- આજથી આંઘ્રપ્રદેશમાં ખુલશે શાળાઓ
- લાંબા સમય બાદ સ્કુલે જશે બાળકો
- પ્રથમ દિવસને ઉત્સવની જેમ ઉજવાશે
કોરોનાવાયરસની બીજી લહેરને કારણે સગ્ર દેશભરમાં ઘણી શાળાઓ તથા શિક્ષણ કાર્ય માર્ચ મહિનાથી જ બંધ છે. પરંતુ હવે જેમ જેમ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ ધીમે ધીમે શાળાઓ ખોલવામાં આવી રહી છે. ત્યારે હવે આંધ્રપ્રદેશમાં પણ આજે સોમવારથી શાળાઓ ખુલવા જઈ રહી છે.
કોરોનાની પહેલી લહેર બાદ શાળાઓ તબક્કાવાર ફરીથી ખોલવામાં આવી. ગયા વર્ષે નવેમ્બરમાં, શાળાઓ 9 અને 10 ના વર્ગ માટે ખોલવામાં આવી હતી અને થોડા મહિના પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં, અન્ય વર્ગોના વિદ્યાર્થીઓને પણ શાળાએ આવવાની મંજૂરી આપવામાં આવી હતી.
મીડયા રિપોર્ટ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી સાથે 23 જુલાઈએ બેઠક બાદ શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી આદિમૂલપુ સુરેશે કહ્યું હતું કે સોમવારે આંધ્રપ્રદેશમાં શાળાઓ ફરીથી ખોલવાના ખાસ દિવસને તહેવારની જેમ ઉજવવામાં આવશે અને ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન
શાળાઓ ખોલવા બાબતે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ શારીરિક વર્ગો ફરી શરૂ થવાની સાથે ઓનલાઈન વર્ગો પણ ચાલુ રહેશે. પીકોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે કડક એસઓપીનું પાલન કરવાની જરૂર છે.શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓની સલામતી માટે સામાજિક અંતર જાળવવા, વર્ગખંડોને નિયમિતપણે સેનિટાઇઝ કરવા જેવા દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે, શારીરિક વર્ગો ફરી શરૂ કરતા વિદ્યાર્થીઓ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ વગેરે જેવી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે
ઉલ્લેખનીય છે કે, રવિવારે આંધ્રપ્રદેશમાં કોરોનાના 1 હજાર 506 કેસ નોંધાયા અને 16 લોકોના મોત થયા હતા. રાજ્યના સ્વાસ્થ્ય બુલેટીનમાં જણાવવામાં આવ્યું છે કે, કોવિડ -19 ની સંખ્યા હવે 19 લાખ 93 લાખ 697 પર આવી ચૂકી છે, જેમાં 19 લાખ 62 હજાર અને 185 લોકો સાજા થયા છે.હવે કોરોનાની સ્થિતી હળવી થતા શાળાઓમાં શિક્ષણ કાર્યનો આજથી આરંભ કરવામાં આવી રહ્યો છે.