અમદાવાદઃ શહેરના સાયન્સસિટીમાં અનેક આકર્ષણો ઉમેરાયા હોવાથી રોજબરોજ અનેક લોકો સાયન્સસિટીની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગના નેજા હેઠળ અમદાવાદ ખાતે ગુજરાત સાયન્સ સિટી રાજ્યમાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે બહોળા પ્રમાણમાં વિજ્ઞાન શિક્ષણ, વિજ્ઞાન પ્રસાર અને વિજ્ઞાન ટુરિઝમના સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. શરૂઆતથી જ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓ માટે 365 દિવસ, કોઈ પણ સારસંભાળ માટેની રજા વગર હંમેશા ખુલ્લુ રહ્યું છે. નવી એક્વાટિક ગેલેરી, રોબોટીક ગેલેરી, નેચરપાર્ક જેવા આકર્ષણો સાથે 17 જુલાઇ 2021થી ફરી શરૂ થયું ત્યારથી ગુજરાત સાયન્સ સિટીને દેશભરમાંથી મુલાકાતીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. હવે સાયન્સ સિટી 4 ઓક્ટોબર 2021 થી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાયન્સ સિટીમાં એક્વાટિક ગેલેરી ખાતે વિશાળ સંખ્યામાં વિવિધ માછલીઓ અને જળચર પ્રજાતિઓ સાથે અત્યાધુનિક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ એકવેરિયમ તથા અન્ય થીમ આધારિત પેવેલિયન નિયમિત સારસંભાળ માંગી લે છે. અન્ય સાયંટિફિક ગેલેરીમાં રહેલા વિવિધ કાર્યરત કે બિનકાર્યરત નિદર્શન પણ નિવારક અને સુધારત્મક સરસંભાળ માંગે છે. અઠવાડિયાના અંતમાં ગેલેરીઓમાં મુલાકાતીઓના ભારે ધસારા બાદ નિયમિત સારસંભાળ માટે તમામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સાયન્સ સેન્ટર્સ, સાયન્સ મ્યુઝિયમો અને પબ્લિક પાર્કની સાથે સુસંગતતામાં સાયન્સ સિટી પણ દર સોમવારે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે કે ગુજરાત સાયન્સ સિટી 4 ઓક્ટોબર 2021 થી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે.જે વિવિધ નિદર્શનો, સાધનો,મશીનરી તથા કેમ્પસમાં વિવિધ પેવેલિયનોમાં રહેલા લાઈવસ્ટોકની અવિરત કાર્યક્ષમતામાં વધારો કરશે.