વડોદરામાં 100 કરોડના ખર્ચે 7થી 8 એકરમાં સાયન્સ સિટીનું નિર્માણ કરાશે: મહેસૂલ મંત્રી
વડોદરાઃ અમદાવાદનું સાયન્સ સિટી વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ગુજરાત સરકાર હવે વડોદરામાં 7થી 8 એકર જમીનમાં બીજા સાયન્સ સિટીની સ્થાપના કરશે. રૂ.100 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે.તેમ મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે આજવા ખાતે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અભિરુચિ વધે અને કલામ સાહેબ જેવા સર્વોચ્ચ વૈજ્ઞાનિકોના ઘડતરને વેગ મળે તે માટે મે વડોદરામાં બીજી સાયન્સ સિટી બનાવવાનું સૂચન કર્યું હતું જેનો સ્વીકાર થયો છે. આ ભેટ આપવા માટે હું વડોદરાવતી મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારનો આભાર માનું છું.
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વડોદરા ખાતે બનનારા સાયન્સ સિટીમાં હોલ ઓફ સ્પેસ, નેચર પાર્ક, એનર્જી પાર્ક, વિજ્ઞાનને લગતી વિવિધ ગેલેરીઓ હશે. જોકે તેમણે સાયન્સસિટી વડોદરા શહેર કે જિલ્લામાં ક્યાં સ્થળે બનશે તે અંગે કશું પણ કહેવાનું હાલ ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાતથી આઠ જુદી જુદી જગ્યાઓ અંગે પ્રપોઝલ મોકલવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા-વિચારણા બાદ જગ્યા નક્કી કરી 100 કરોડના ખર્ચે સાયન્સ સિટી બનાવવામાં આવશે.
જળ સંચય અભિયાન ખૂબ અદભૂત કાર્યક્રમ છે. ગુજરાત જળ સંચયની ક્ષમતા વધારવાનો વિચાર કરનારું દેશનું પહેલું રાજ્ય છે તેવી જાણકારી આપતાં મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે રાજ્યના ત્રણ લાખ જેટલા નાના મોટા તળાવોમાં ખૂબ ઓછો જળ સંગ્રહ થતો, નદીઓ સુકાઈ જતી તેનો ઉકેલ આ કાર્યક્રમથી મળ્યો છે. રાજ્યની 13 નદીઓ આ કાર્યક્રમથી નવ જીવંત થઈ છે અને જગત આખાએ ગુજરાતના આ કાર્યક્રમની નોંધ લીધી છે.
મહેસૂલ અને કાયદા મંત્રીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે જમીનની જળ સમૃદ્ધિ સુધારવા અને ચોમાસું પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા માટેના સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનના પાંચમા સોપાનનો ધરતી માતાના પૂજનથી પ્રારંભ કરાવ્યો હતો. અભિયાન હેઠળ 2.13 હેક્ટરમાં પથરાયેલા આ ગામ તળાવમાંથી 5 હજાર ઘનમીટર માટી ખોદી, તળાવને ઊંડું કરીને જળ સંગ્રહ ક્ષમતામાં 50 લાખ લીટરનો વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.તેનાથી તળાવની કાંપયુક્ત જમીન ખેતરોમાં પાથરવાથી ફળદ્રુપતા વધશે અને તળાવના કામમાં રોજગારી પણ મળશે.