Site icon Revoi.in

ભારતમાં અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી યથાવત, 29મી મે સુધી નહીં મળે રાહત

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારો સહિત દેશના મધ્ય અને પૂર્વ ભાગોમાં ભારે ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજસ્થાનના ફલોદીમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. રાજ્યના અન્ય સ્થળો અને અન્ય રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 થી 48 ડિગ્રી વચ્ચે રહે છે. તેને જોતા રાજસ્થાનમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી કાળઝાળથી કોઈ રાહત મળવાની નથી. રાજસ્થાનમાં પાણીની ગંભીર કટોકટીના કારણે ઘણા શહેરોમાં એક દિવસ છોડીને પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે. આ રાજ્યોમાં રાત્રિના સમયે પણ ભારે ગરમી રહે છે. જમ્મુ-કાશ્મીરના જમ્મુ ડિવિઝન અને હિમાચલ પ્રદેશના મેદાની વિસ્તારોમાં તાપમાન 40થી ઉપર છે અને ગરમીનું મોજું ચાલી રહ્યું છે. રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ પ્રશાસનને ગરમીથી બચાવવા માટે તમામ સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. મહારાષ્ટ્રના અકોલામાં જિલ્લા પ્રશાસને 31 મે સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની જાહેર સભા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવાર અને શનિવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી અને તેથી વધુ હતું. તે જ સમયે, ભોપાલમાં ટ્રાફિક સિગ્નલનો સમય અડધો કરી દેવામાં આવ્યો છે.

પહાડી વિસ્તારમાં આકરી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. કાશ્મીરના કાઝીગુંડમાં 43, કોકરનાગ 22 અને જમ્મુ વિભાગના ભદરવાહમાં 23 વર્ષ પછી મે મહિનામાં બીજા નંબરનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજ્યના તમામ પહાડોમાં પણ દિવસનું તાપમાન સામાન્ય કરતા 4 થી 9 ડિગ્રી વધુ છે. જમ્મુમાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 28 મે સુધી ગરમીથી રાહત નહીં મળે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં 29 મે સુધી ભારે ગરમી યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આકરી ગરમી પણ અનુભવાશે.