ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમરેલીમાં 44 ડિગ્રી, ભાવનગર, જુનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ માવઠાનું વાતાવરણ રહ્યા બાદ મંગળવારથી તાપમાનમાં વધારો થયો છે. અને બુધવારે તો અસહ્ય તાપમાને લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. જેમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. જ્યારે સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી અને અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યના 13 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું દરમિયાન આજે ગુરૂવારે હવામાન વિભાગ અનુસાર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં હીટવેવની શક્યતા છે.
ગુજરાત પર ગત સપ્તાહમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તેની અસર પૂર્ણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન વધારો થયો છે. 16 એપ્રિલથી ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાયો છે જે આગામી 3-4 દિવસ સુધી રહેશે. ત્યાર બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર બે ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ છે.
ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. મંગળવારે પણ રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ત્યારબાદ બુધવારે પણ તાપમાનમાં વધારો થયો હતો. બુધવારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 42.2 ડિગ્રી, ડીસામાં 40.7, ગાંધીનગરમાં 40.4, વલ્લભ વિદ્યાનગરમાં 41.5, વડોદરામાં 43.6, સુરતમાં 42.1, ભુજમાં 41.6, નલિયામાં 39.6, કંડલા પોર્ટમાં 36.8, અમરેલીમાં 44, ભાવનગરમાં 41.7, દ્વારકામાં 31.2, પોરબંદરમાં 39.6, રાજકોટમાં 43.8, વેરાવળમાં 34.2, સુરેન્દ્રનગરમાં 43.4, મહુવામાં 43.4 અને કેશોદમાં 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તથા કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં એટલે કે ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં સિવિયર હિટવેવની આગાહી કરી છે. એટલે કે ભાવનગર અને જૂનાગઢમાં આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસથી પણ વધી શકે છે. આ ઉપરાંત રાજ્યભરના મોટા ભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન આજે 42 ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતાઓ છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ શહેરીજનોને હજી 42 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં શેકાવવુ પડશે. હજુ બે દિવસ માટે શહેરીજનોને આ જ પ્રકારે ગરમી સહન કરવી પડશે. ત્યાર બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.