અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરતા જ કકળાટ શરૂ થયો છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા સામ, દામ, દંડ, ભેદની નીતિ યુવા નેતાઓ પણ અપનાવવાનું શીખી ગયા છે. કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ અને યુથ કોંગ્રેસના યુવા નેતાઓએ પણ આ વખતે ચૂંટણીમાં ઉમેદવારી કરવા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પર પ્રેશર ટેકનીક અપનાવી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં NSUI અને યુથ કોંગ્રેસ પણ ટિકિટની માંગ કરીને બેઠા છે. એનએસયુઆઈએ જમાલપુર, ધંધુકા અને કોડિનારની ટિકિટ વિદ્યાર્થી પાંખના નેતાઓને ફાળવવામાં આવે તેવી રજુઆત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવાનો કકળાટ આમ તો દરેક પક્ષમાં છે જ. ક્યાંક આ કકળાટ સપાટી પર આવે છે અને ક્યાંક એ નારાજગી ઉકળતા ચરુ જેવી જોવા મળી રહી છે. જોકે ભાજપ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ કેટલાક ટિકિટ વાંચ્છુ નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસમાં યુથ કોંગ્રેસ અને NSUI ના હોદ્દેદારોએ આ વખતની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર ટિકિટની માંગ કરી છે. જેમાં એક બેઠક જમાલપુર, એક ધંધુકા અને એક બેઠક કોડીનાર છે. આ ત્રણેય બેઠકો પર NSUI કે યુથ કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ મળે તે માટે આ યુવા નેતાઓએ પ્રેશર ટેકનીક અપનાવવા માંડી છે. યુવા નેતાઓએ જમાલપુરમાં શાહનવાઝ શેખ, ધંધુકા બેઠક પર હરપાલસિંહ ચુડાસમા તેમજ કોડીનાર બેઠક પર નરેન્દ્ર સોલંકીને ટિકિટ આપવા માંગ કરી છે. જે માટે યુથ કોંગ્રેસ અને NSUIએ સંયુક્ત કારોબારીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ શહેર, પ્રદેશ તેમજ વિધાનસભાના કાર્યકરો અને હોદ્દેદારોએ ફરિજયાત હાજર રેહવાનું ફરમાન કર્યું છે. એટલે આ બેઠક બાદ કંઈક નવા જૂની થાય તેવા એંધાણ છે.
મહત્વનુ છે કે આમ તો ટિકિટને લઈ કોંગ્રેસમાં નારાજગી કોઇ નવી વાત નથી. NSUI અને યુથ કોંગ્રેસના યુવા નેતાઓની નેતાઓને ટિકિટ આપવી જોઈએ તેવી માગ ઊઠી છે. જોકે પ્રદેશના નેતાઓ યુવા નેતાઓને સમજાવી રહ્યા છે.