અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા શરૂ કરાયા બાદ મરામતના બહાને બંધ કરી દેવામાં આવી હતી. સી-પ્લેન છેલ્લા 15 મહિનાથી બંધ છે, હવે આગામી જૂન મહિનામાં સી-પ્લેનની સેવા શરૂ કરવાનું આયોજન હોવાનું રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સી-પ્લેન સેવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે, હવે એપ્રિલ મહિનામાં સી-પ્લેન સેવા આપવા માટે કંપનીની પસંદગી થયા પછી જૂન મહિનામાં પુન: સી પ્લેન સેવા કાર્યરત કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા નવેમ્બર-2020માં શરૂ કરવામાં આવી હતી. આ પછી બે મહિના માલદિવમાં મેઇન્ટેન્સ માટે ગયું હતું અને ત્યાંથી આવ્યા પછી ફરી ઉડાન ભરતું કરાયું હતું. આ પછી એપ્રિલ-2021માં ફરી બંધ થઇ ગયું હતું. હવે આગામી જુન-2022માં ફરી ઉડાન ભરવા માટેનું આયોજન થઇ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવા,સુરત અને મુંબઇ એમ ત્રણ કંપનીઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો છે. વિધાનસભાના બજેટ સત્ર પછી એપ્રિલ મહિનામાં ટેન્ડર ખોલવામાં આવશે. આ ત્રણ કંપની પૈકી કોઇ એક કંપનીને પસંદ કરીને સી-પ્લેન ઉડાડવા માટેનો કોન્ટ્રાકટ અપાશે. અને જુનથી સી-પ્લેન સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વૈશ્વિક પ્રવાસન માટેનું ડેસ્ટીનેશન બની ગયું છે. ત્યારે વિદેશના પ્રવાસીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે આવી રહ્યા છે. અમદાવાદથી ય્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે સી-પ્લેનને પ્રવાસીઓ પણ સારા પ્રમાણમાં મળી રહે તેમ છે. પરંતુ સી-પ્લેન સેવા નિયમિત રહે તે જરૂરી છે.