Site icon Revoi.in

સુરતમાં એફિડેવિટને આધારે સીલ ખોલી અપાશે, પણ આગ લાગે તો SMCની જવાબદારી નહીં

Social Share

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર પણ સજાગ બન્યુ છે. શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો સીલ કરવામાં આવ્યા છે, જેમાં દુકાનો, સ્કૂલ. કોચિંગ ક્લાસ, હોસ્પિટલો સહિત કોમર્શિયલ બિલ્ડિંગોનો પણ સમાવેશ થાય છે. આમ મ્યુનિએ ફાયર NOC અને BU પરમિશન વિનાની 900થી વધુ મિલકતો સીલ કરી દીધી હતી, આ સીલિંગની સીધી અસર લોકોના ધંધા-રોજગાર પર પડી છે. કાપડ માર્કેટના વેપારીઓના વિરોધ પછી મ્યુનિ.એ સીલ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી છે. ફાયર NOC ન હોય તેવી મિલકતદારોના સોગંદનામાના આધારે સીલ ખોલી આપવામાં આવી રહ્યા છે. જોકે BU અને ફાયર NOC બંને ન હોય તેવી મિલકતોનાં સીલ ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર અને બીયુ પરમિશન ન હોય તેવી મિલ્કતોને સીલ મારવાની ઝૂંબેશ શરી કરવામાં આવી હતી. જેમાં 90 જેટલી મિલ્કતોને સીલ મારી દેવાતા વેપારીઓમાં ભારે વિરોધ જાગ્યો હતો. અને મ્યુનિ.કમિશનર તેમજ કલેક્ટરને પણ રજુઆતો કરવામાં આવી હતી. દરમિયાન ફાયર એનઓસી સમય મર્યાદામાં લેવાની બાંયેધરી સાથેના સોગંદનામું રજુ કરાશે તે સીલ ખાલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારોએ નક્કી કરેલા સમયગાળામાં ફાયર NOC અને BU મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. જો કે, આગ જેવી કોઈપણ ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી સોગંદનામું કરનારા વ્યક્તિની રહેશે. સ્કૂલોએ પણ સ્કૂલવર્ધી વાનમાં જતા બાળકોના વાલીઓ પાસે ડેક્લેરેશન ભરાવ્યાં છે.

એસએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરની 957 મિલકતોના 7 હજાર એકમોને સીલ માર્યા બાદ પાલિકાએ ફાયર NOC રિન્યૂઅલ બાકી હોય તેમનાં સીલ ખોલવાનું શરૂ કર્યું હતું. જોકે સૌથી વધુ મિલકતો પાસે બિલ્ડિંગ યૂઝ (BU) સર્ટિ મળ્યાં નથી ત્યારે હવે 60 દિવસમાં BU મેળવી લેવાની શરતે જે તે મિલકતોનાં સીલ ખોલવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે. આ માટે મિલકતદારે બાંધકામ નિયમબદ્ધ કરાવવાનું સોગંદનામું કરવું પડશે અથવા તો ઇમ્પેક્ટ ફી હેઠળ અનધિકૃત નિર્માણને કાયદેસર કરાવવું પડશે. આ કાર્યવાહીમાં સૌથી વધુ 226 ટેમ્પરરી સ્ટ્રક્ચર BU ન હોવાથી સીલ કરાયાં હતાં. તેવી જ રીતે સ્કૂલ, કોચિંગ ક્લાસ સહિતનાં 218 એકમો, 111 હોસ્પિટલ, 88 રેસ્ટોેરાં, 56 કોમર્શિયલ કોમ્પલેક્સ, 28 સિનેમા અને 13 ગેમ ઝોન પાસે BUની ક્ષતિ મળી હતી. મ્યુનિએ સીલ ખોલવા માટેના સોગંદનામામાં ભવિષ્યમાં સલામતીના તમામ પ્રબંધ માટે મિલકતધારકોને જવાબદાર ઠેરવ્યા છે. ‘સીલ ખોલ્યા પછી મિલકતોમાં કોઇ દુર્ઘટના સર્જાય તો તેના માટે પાલિકા જવાબદાર રહેશે નહીં, સંપૂર્ણ જવાબદારી મિલકતદારોની જ રહેશે’ તેવું પણ સોગંદનામામાં લેખિત લેવામાં આવી રહ્યું છે.