- ફુડ સેફ્ટી વિભાગે 6.55 લાખની કિંમતનો તેલનો જથ્થો સીઝ કર્યો,
- ધાનેરા અને ડીસાની ત્રણ પેઠી સામે કાર્યવાહી,
- તેલના સેમ્પલો પરીક્ષણ માટે મોકલી અપાયા
પાલનપુરઃ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જિલ્લાના ધાનેરામાં અર્બુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે ડીસાની બજરંગ માર્કેટીંગમાં આકસ્મિક દરોડા પાડી શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ વિભાગ દ્વારા રૂપિયા 6.55 લાખની કિંમતનો તેલનો જથ્થો સીઝ કર્યો છે. અને તેલના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલી અપાયા છે.
પાલનપુર ફૂડ સેફટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે “ત્રણેય પેઢીમાં મળી રૂ. 6,55,120ની કિંમતનો કુલ 3639 લિટર શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો જપ્ત કરાયો છે. બાતમીના આધારે આ ત્રણેય પેઢી ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ધાનેરાના વાલેર ગામે લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ કરતા શંકાસ્પદ રાયડા તેલનો જથ્થો મળ્યો હતો. પેઢીના માલિક અમરતભાઇ રાયમલ ભાઇ ચૌધરીની હાજરીમાં સેમ્પલ માટે તેલના જુદા જુદા 2 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો રૂ. 2,85,440 નો 1586 લિટર શંકાસ્પદ રાયડા તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, ધાનેરાના કરાધણી ગામની અર્બુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરતા ત્યાં શંકાસ્પદ રાયડા તેલનુ ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. જેથી પેઢી માલિક પ્રકાશભાઇ રામજીભાઇ પટેલની હાજરીમાં રાયડા તેલનો નમુનો લઇ બાકીનો 1590 લિટર જથ્થો રૂ. 2,86,200ની કિંમતનો શંકાસ્પદ રાયડા તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડીસા જીઆઇડીસીમાં બજરંગ માર્કેટીંગ પેઢીમાં રેડ કરતાં પેઢીના માલિક શાંતિભાઇ રાજગોર દ્વારા ડબામાં રાઇસ બ્રાન ઓઇલ ભરી લેબલ પર રાયડા તેલ તરીકે દર્શાવી વેચાણ કરવામાં આવતુ હતુ જેથી ક્રિષ્ણા બ્રાન્ડ રાઇસ બ્રાન ઓઇલ તેલનો નમુનો લઇ બાકીનો 463 કિગ્રા રૂ. 84,440નો શંકાસ્પદ ક્રિષ્ણા રાઇસ બ્રાન ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ફુડ સેફટી વિભાગે નવરાત્રીમાં રાત્રિ દરમિયાન સ્પેશિયલ ડ્રાઇવ રાખીને પાલનપુર અને ડીસા શહેરમાં અલગ અલગ સ્થળો પર આયોજિત નવરાત્રી ગરબામાં 18 ફૂડ સ્ટોલ પર વેચાણ થતા ખાદ્ય ચીજોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ” ફૂડ સેફટી પખવાડાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત 15 દિવસ સુધી તમામ ફૂડ સેફ્ટી ઓફિસર જુદા જુદા તાલુકામાં દિવસ પ્રમાણે સેમ્પલ લેવાની કામગીરી કરી રહ્યા છે અત્યાર સુધી દૂધની બનાવટના, બેકરી આઈટમના જુદા જુદા સેમ્પલો લેવાયા છે. પ્રતિ દિવસ 49 સેમ્પલ આખા જિલ્લામાંથી દરરોજ 17 તારીખ સુધી લેવામાં આવશે. (File photo)