- 736 જિલ્લાઓમાં આજે ડ્રાય રનનું કરાયું આયોજન
- 2 જાન્યુઆરીએ 125 જિલ્લામાં યોજાયો હતો ડ્રાય રન
- વેક્સીનેશન 13 અથવા 14 જાન્યુઆરીથી થઇ શકે છે શરૂ
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસને નાથવા સરકારે 2 કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે, ત્યારબાદ હવે દેશમાં વેક્સીનેશન શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. વેકસીનેશન પહેલા શુક્રવારે એટલે કે આજે દેશભરમાં સૌથી મોટો ડ્રાય રન યોજવામાં આવશે, જેમાં વેક્સીનેશનની પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવશે
દેશભરના 736 જિલ્લાઓમાં ડ્રાય રનનું આયોજન
વેક્સીનેશન પહેલા આજે ઉત્તરપ્રદેશ અને હરિયાણા સિવાય દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વેક્સીનનો ડ્રાય રન કરવામાં આવશે. આ અંતર્ગત દેશભરના 736 જિલ્લાઓમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવશે.
2 જાન્યુઆરીએ 125 જિલ્લાઓમાં યોજાયો હતો ડ્રાય રન
આ પહેલા 2 જાન્યુઆરીએ દેશભરના 125 જિલ્લાઓમાં 285 કેન્દ્રો પર કોરોના વેક્સીનનો ડ્રાય રન યોજાયો હતો. ત્યારબાદ ગુજરાત, પંજાબ અને અસમ સિવાય ઘણા રાજ્યોમાંથી સારા રીઝલ્ટ આવ્યા હતા. ત્યારે સરકારે સમગ્ર દેશમાં ડ્રાય રન કરવાનું નક્કી કર્યું છે. આ અગાઉ 28 અને 29 ડિસેમ્બરે દેશના 4 રાજ્યોમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને રાજ્યો સાથે યોજી હતી બેઠક
ડ્રાય રન પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને ગુરુવારે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે, અમને રાજ્યો તરફથી વેક્સીનને લઈને ફીડબેક મળ્યા છે. અને તેના આધારે જરૂરી સુધારા પણ કર્યા છે.
13 અથવા 14 જાન્યુઆરીથી શરૂ થઇ શકે છે વેક્સીનેશન
દેશભરમાં કોરોના વેક્સીનનું વેક્સીનેશન 13 અથવા 14 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી તેને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે, વેક્સીનને મંજૂરી મળ્યાના 10 દિવસ પછી વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થઈ શકે છે.
ભારતમાં બે વેક્સીનને અપાઈ મંજૂરી
ભારતમાં કોરોનાની બે વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે.સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને આપતકાલીન ઉપયોગ માટે મંજૂરી મળી છે.
ડ્રાય રનમાં શું હોય છે?
સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો મુજબ, ડ્રાય રનમાં હોસ્પિટલમાં જવાની, લોકોને બોલાવવા, પછી ડોઝ આપવાની સમગ્ર પ્રક્રિયાને અનુસરવામાં આવે છે. મુખ્યરૂપથી તેમાં વેક્સીનના સ્ટોરેજ, વિતરણ અને વેક્સીનેશનની ચકાસણી કરે છે. જે શહેરની મોટી સરકારી હોસ્પિટલોમાં અથવા અન્ય જગ્યાઓ પર કરવામાં આવી રહી છે.
-દેવાંશી