Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડઃ 110 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડનો પ્રારંભ થયો છે, હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના શહેરો અને નગરોમાં સવારથી આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ અમદાવાદમાં હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 110 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જ્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આગામી ચારેક દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. રાજકોટ, અમરેલી, ડાંગ, જુનાગઢમાં વરસાદ વરસ્યો હતો. નવસારીના જલાલપોરમાં 5 ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદના ગઢડામાં 3.5 ઈંચ, ખેડાના કપડવંજ, જૂનાગઢ, સુરતના પલસાણામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યના કુલ 50 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 73 ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. ગિરનાર અને દાતાર પર્વત પર બે કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગિરનાર પર્વત પરથી પડતા પાણીના ધોધથી અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. ગિરનારની સીડીઓ પર વહેતા પાણીથી અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. હાલ ચોમાસાના કારણે પ્રકૃત્તિ ખીલી ઉઠી છે,

હવામાન ખાતાની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, આણંદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. 7 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારે વરસાદ પડશે. જ્યારે 8 અને 9 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

(Photo-File)