ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી જુદા જુદા કર્મચારી મંડળો અને સંગઠનોએ પોતાની પડતર માગણીના ઉકેલ માટે લડતના મંડાણ કરી રહ્યા છે. સરકારે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની કેટલીક માગણીઓનો ઉકેલ લાવી દીધો છે. ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર પણ કર્મચારીઓની નારાજગી વહોરવા નથી માગતી. ત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. શિક્ષકો પણ હવે સરકાર સામે પડતર પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં છે. પ્રાથમિક શિક્ષકોની જેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પણ અનેક પ્રશ્નો વર્ષોથી પેન્ડિંગ છે. સામે સરકાર દ્વારા શિક્ષણ સિવાયની અનેક કામગીરી પણ સોંપવામાં આવે છે
રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિક શિક્ષકોના વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંડળ દ્વારા અનેક વખત રાજ્ય સરકારને રજૂઆત કરી છે. પરંતુ સરકાર માત્ર બાંહેધરી આપીને રજૂઆત જ સાંભળે છે, તેના પર કોઈ નક્કર નિર્ણય કરતી નથી. ધોરણ 10 અને 12ની પરીક્ષા બાદ જ શિક્ષકોએ મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કર્યો હતો, તે સમયે સરકારે તાબડતોડ બેઠક કરીને શિક્ષકોનો રોષ ઠારી આંદોલન પૂરું કરાવ્યું હતું. પરંતુ શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે કોઈ નિર્ણય કર્યો નહતો. શિક્ષકોનો સૌથી મોટો પ્રશ્ન જૂની પેન્શન યોજના છે, 2005માં શરૂ થયેલી નવી પેન્શન યોજનાને કારણે 1500-2000 જેટલું જ પેન્શન મળે તો નિવૃત્તિ બાદ કુટુંબનું નિર્વાહન કેવી રીતે થઈ શકે. આ ઉપરાંત શિક્ષકોની ઘટ હોવાથી કેટલીક સ્કૂલોમાં તમામ 8 તાસ લેવા પડે છે, કેટલીક જગ્યાએ શિક્ષકોની ખૂબ અછત છે, અત્યારે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી છે તો તે માટે સરકાર વિચાર કરવો જોઈએ તે બંધ થશે તો આવનાર દિવસમાં ગ્રાન્ટેડ શિક્ષક જ નહીં હોય.
સૂત્રોના જણાવ્યા મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો પાસે BLO ની કામગીરી કરવામાં આવે છે જેમાં સ્કૂલમાં તથા સ્કૂલની બહાર અનેક કામગીરી કરવામાં આવે છે. વસ્તી ગણતરી પણ કરાવવામાં આવે છે, ત્યાર બાદ ઇલેક્શનની કામગીરી કરવામાં આવે છે, રાજકીય પક્ષો દ્વારા સરકારી કાર્યક્રમમાં શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને પણ બોલાવવવામાં આવે છે. આર્થિક સ્થિતિ નબળી થતા અનેક સર્વે કરવા મોકલવામાં આવે છે.
આ અંગે ગુજરાત બોર્ડના પૂર્વ સભ્ય તથા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી જીગીશ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા અનેક વર્ષોથી અમારા પડતર પ્રશ્નો છે. દર વર્ષે મિટિંગ કરે તથા સંકલન સમિતિ સાથે બેઠક કરે પરંતુ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. અમે મધ્યસ્થ મૂલ્યાંકનનો બહિષ્કાર કર્યો હતો ત્યારબાદ શિક્ષણમંત્રી અને નાણામંત્રીએ બેઠક કરીને નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી જે હજુ સુધી નિર્ણય કરાયો નથી. અમે આવનાર દિવસમાં આ અંગે આંદોલન માટે વિચારીશું. પેન્શન યોજના માટે અલગ અલગ મંડળ ભેગા થયા છે તેમાં હજુ વધુ મંડળો ભેગા કરીશુ.(file photo)