Site icon Revoi.in

માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાના શિક્ષકો, કર્મચારીઓના પ્રશ્નો અંગે સરકારનું ઓરમાયું વલણ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોથી લઈને વહિવટી વર્ગની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરાતી નથી. આ ઉપરાંત શિક્ષણ સેવા વર્ગ-3ના કર્માચારીઓના અનેક વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આથી ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3ના સરકારી કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવા અગાઉ વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે છતાં પણ સરકાર દ્વારા કોઈ હકારાત્મક ઉકેલ ન લાવતા શિક્ષકોમાં અસંતોષની લાગણી ઊભી થઈ છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3ના સરકારી કર્મચારી મંડળ ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના વણ ઉકલ્યા પ્રશ્નો અંગે તમામ કક્ષાએ વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં ઉકેલ લાવવામાં આવતો નથી.

ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3 સરકારી કર્મચારી મંડળ ગાંધીનગરના રાજ્ય મહામંત્રી મૃત્યુંજય આર. પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ 2 ની કુલ 870 મંજૂર જગ્યાઓ છે. જેમાં 1:1 ના રેશીયાથી નિમણૂક આપવાની થાય છે જેમાં સીધી ભરતીથી 270 વર્ગ ૨ના અધિકારીઓની માર્ચ 2017 થી નિમણૂક આપવામાં આવી છે આજે પણ રાજ્યમાં આશરે 600 વર્ગ-2 ની જગ્યાઓ ખાલી છે સરકારને પ્રમોશન આપવાથી કોઇ જ નાણાંકીય બોજ પણ પડે તેમ ન હોવા છતાં વર્ષ 2011થી સરકારી શિક્ષકોને પ્રમોશનના લાભ થી વંચિત રાખી ઉમરા કરવામાં આવી રહ્યા છે આ સમયગાળા દરમિયાન આશરે 800 થી વધુ શિક્ષકો પ્રમોશનના લાભ થી વંચિત રહી નિવૃત પણ થઇ ગયા છે

સરકારી શાળાઓમાં આચાર્ય અને વહીવટમાં વર્ગ 2ના નિયમિત અધિકારીઓ ન હોવાને કારણે જેની સીધી અસર શાળાના પરિણામ વહીવટ અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડે છે જેના કારણે સરકારી શાળાઓની છબી ખરડાય છે. છેલ્લા ત્રણ વર્ષથી આશરે 400થી વધુ શિક્ષકોની ઉચ્ચતર પગાર ધોરણ માટે ની દરખાસ્ત સ્ટેન્ડિંગ છે જે પૈકીના ઘણા શિક્ષકો નિવૃત્ત થઈ ગયેલ હોવા છતાં મળવાપાત્ર લાભ થી વંચિત છે.

જિલ્લા પંચાયત હેઠળની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક તરીકેની પાંચ વર્ષની સેવાઓને લાભ આપી દેવામાં આવ્યો છે જ્યારે સીધા સરકારના સરકારી શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષણ સહાયકોની સેવાઓને સળંગ નોકરીમાં સમાવવા માટે ના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે.