Site icon Revoi.in

ગૌણ સેવા પસંદગી મંડળે રદ કરેલી સ્પર્ધાત્મક પરીક્ષા તા. 11થી 20મીમે દરમિયાન લેવાશે

Social Share

ગાંધીનગર:  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલી પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આદર્શ આચાર સંહિતાના પાલન અર્થે તારીખ 20 એપ્રિલના રોજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી. મોકૂફ રાખેલી તમામ પરીક્ષા 7 મેના રોજ મતદાન પૂર્ણ થયા બાદ પરીક્ષાઓનું પુનઃ આયોજન કરવામાં આવ્યું છે. 8 અને 9 મેની પરીક્ષાઓ યથાવત છે. મોકૂફ રાખવામાં આવેલી છ દિવસની પરીક્ષાઓ મેં માસની 11, 13, 14, 16, 17 અને 20 તારીખના રોજ આયોજન કરવામાં આવ્યું છે. 12 મેના રોજ ગુજરાત હાઇકોર્ટની ભરતી પરીક્ષા હોવાથી આ તારીખે મંડળ દ્વારા પરીક્ષા રાખવામાં આવી નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઉમેદવારોની માંગણી હતી કે, તેમને હાલના સરનામાં મુજબ કોલ લેટર અને પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે. જેથી તેમને નજીકના પરીક્ષા કેન્દ્ર મળે. ઉમેદવારોની માંગણી અનુસાર તેમના હાલના કોલ લેટરના સરનામા અનુસાર નજીકના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. તારીખ 8 અને 9 મેના રોજ આયોજિત પરીક્ષાઓના કોલલેટર નવા કાઢવાના નથી. કારણ કે, તે બંને દિવસ રાબેતા મુજબ જ જૂની તારીખ અનુસાર પરીક્ષાઓ લેવાશે. 5,17,418 પૈકીના 2,88,813 ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ થઇ છે. બાકી રહેલા 2,31,007 ઉમેદવારોની પરીક્ષા નવા પરીક્ષા કાર્યક્રમ અનુસાર લેવામાં આવશે. તારીખ 8 મેથી ઉમેદવારોએ પોતાના નવા કોલ લેટર કાઢવાના રહેશે.

ગૌણ સેવા પસંદગી મંડળના સૂત્રોના કહેવા મુજબ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર જાય ત્યારે પોતાનું ઓળખ પત્ર સાથે રાખવું. આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને ચૂંટણી કાર્ડ પૈકીનું એક ઓળખ પત્ર સાથે રાખવું. સમયસર પરીક્ષા કેન્દ્રએ પહોંચી જવું. ભૂતકાળમાં કેટલાક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રએ સમયસર ન પહોંચ્યા હોવાથી તેઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા. પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા ઉમેદવારે પરીક્ષા કેન્દ્રએ પહોંચી જવું. સમયસર કોમ્પ્યુટર લેબમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તે માટે મંડળ અને સરકાર કટિબદ્ધ છે.