- મુંબઈમાં કલમ 144 લાગુ
- રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ
- ઓમિક્રોનના ખતરાને લઈને લેવાયો નિર્ણય
મુંબઈ:મહારાષ્ટ્રના મુંબઈમાં પોલીસે શુક્રવારે મુંબઈ કમિશનરેટ વિસ્તારમાં ક્રિમિનલ પીનલ કોડની કલમ 144 લાગુ કરી છે. જેના કારણે આગામી બે દિવસ સુધી રેલીઓ અને દેખાવો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે,ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલ આદેશ શનિવાર અને રવિવારે 48 કલાક માટે અમલમાં રહેશે. તેમણે કહ્યું, ‘કોવિડ-19ના નવા ઓમિક્રોન સ્વરૂપને કારણે માનવ જીવનને ખતરાની સાથે અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં હિંસાની પૃષ્ઠભૂમિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જારી કરવામાં આવ્યું છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે,ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે.તો, રાજ્યમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના 7 નવા કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ કેસ મુંબઈના છે અને 4 પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 17 કેસ નોંધાયા છે. મુંબઈના ધારાવીમાં પણ ઓમિક્રોન વેરિયન્ટનો મામલો સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ, ધારાવીનો રહેવાસી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.જે બાદ વ્યક્તિમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. નિવાસી તાજેતરમાં તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. આ સાત નવા કેસ પછી, ઓમિક્રોનના દેશમાં અત્યાર સુધીમાં 32 કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનની નવીનતમ સ્થિતિ પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં દેશની નવીનતમ સ્થિતિ જણાવવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે,અત્યાર સુધીમાં આ વેરિયન્ટ કુલ 59 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે.