અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર ઉપર બિપરજોય વાવાઝોડુ ટકરાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. દરમિયાન કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઇ છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 12 જૂનથી 16 જૂન સુધી આ કલમ 144 લાગુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્ય ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, જેથી દરિયાકાંઠા વિસ્તારોને સાબદા કરાયાં છે. દરિયાકાંઠા ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકોને બિચ ઉપર જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભાવનગરના ઘોઘા, કોળિયાક અલંગ સહિત ના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ભાવનગર કલેકટર દ્વારા 11 જૂનથી 15 જૂન સુધીનું દરિયા કિનારે જવા પ્રતિબંધનું જાહેરનામું બહાર પડાયું છે. હાલ રાજ્યના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. આ મીટીંગ દરમિયાન મુખ્યમંત્રીએ દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડા માટે કરાયેલી વ્યવસ્થાને લઈને માહિતી મેળવી હતી. એટલું જ નહીં ઉચ્ચ અધિકારીઓને મહત્વની સુચના આપી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. વાવાઝોડાની પરિસ્થિતિ ઉપર મોદી સરકાર પણ સતત નજર રાખી રહ્યું છે એટલું જ નહીં કેન્દ્ર સરકાર સતત રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકારના સંપર્કમાં છે.