આજે ગણેશ ચતુર્થી,મુંબઈમાં ભીડ એકત્ર ન થાય તે માટે 10 થી 19 સપ્ટેમ્બર સુધી કલમ 144 અમલમાં રહેશે
- આજે ગણેશ ઉત્સવની ઉજવણી
- મુંબઈમાં કલમ 144 લાગુ કરાઈ
- લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે લેવાયો નિર્ણય
મુંબઈ :ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કલમ 144 મહાનગરમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. આ નિર્ણય મુંબઈ પોલીસે લીધો છે. હકીકતમાં, કોરોનાના વધતા જતા કેસોને જોતા, વહીવટીતંત્ર ગણેશ ઉત્સવ પ્રસંગે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવા ઈચ્છતી નથી. આ જ કારણ છે કે ગણપતિ ઉત્સવ પ્રસંગે કલમ 144 લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, ગણેશ ઉત્સવ નિમિત્તે સમગ્ર શહેરમાં 5 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે, બાપ્પાના ભક્તો દર્શન માટે પંડાલમાં જઈ શકશે નહીં.દર વર્ષે ગણપતિ નિમિત્તે પંડાલ મુંબઈમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. પરંતુ વધતા કોરોના સંક્રમણને જોતા પંડાલોમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મુંબઈના લોકો હવે ગણપતિ બાપ્પાના દર્શન ઓનલાઈન જ કરી શકશે. તેમને પંડાલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. અગાઉ, ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓમાં કહેવામાં આવ્યું હતું કે,તહેવાર નિમિત્તે દરેક વ્યક્તિએ સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવું પડશે. પરંતુ હવે પંડાલમાં જવા પર પ્રતિબંધ રહેશે.
મુંબઈમાં આજે કોરોના સંક્રમણના 530 નવા કેસ નોંધાયા છે. વધતા સંક્રમણને જોતા પ્રશાસન સંપૂર્ણપણે કડક છે. તહેવારોની સીઝનમાં ફરીથી સંક્રમણના કેસો ઝડપથી ન વધે તે માટે કલમ 144 લાદવામાં આવી છે. આ દરમિયાન, એક જગ્યાએ પાંચથી વધુ લોકોને ભેગા થવા દેવામાં આવશે નહીં. પોલીસ કમિશનર એસ ચૈતન્ય દ્વારા જારી કરાયેલા આદેશમાં BMC અને ગૃહ વિભાગની સૂચનાઓ ટાંકવામાં આવી છે.