ગુરુદાસપુરમાં બે સ્થળો ઉપર સુરક્ષા એજન્સીઓએ દરોડા પાડ્યાં, હેરોઈન અને હથિયારો જપ્ત કરાયાં
અમૃતસરઃ દેશમાં નશાના કાળાકારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુરદાસપુરમાં બે સ્થળો ઉપર દરોડા પાડીને હેરોઈન અને હથિયારોનો જથ્થ કર્યો હતો. પોલીસે હેરોઈન તથા હથિયારો જપ્ત કરીને બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરુ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરદાસપુરના ડેરીવાલ કિરણ ગામમાં એક શંકાસ્પદ વ્યક્તિના ઘરે BSF અને STFએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘરમાંથી 100 ગ્રામ હેરોઈનની 6 નાની પ્લાસ્ટિકની પેટીઓ અને 32 બોરના 13 કારતૂસ મળી આવ્યા હતા. તેમજ ગુરદાસપુરના ઉપ્પલ ગામમાં અન્ય એક શંકાસ્પદ વ્યક્તિના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન એક બંદૂક (પીએજી પ્રકાર), 10 આરડી, .32 બોરની એક બુલેટ અને એક પિસ્તોલ મળી આવી હતી. આ સંયુક્ત દરોડામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
BSFના પ્રવક્તાએ કહ્યું કે BSF અને STF અમૃતસર દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોના અન્ય એક ગેરકાયદેસર પ્રયાસને સંયુક્ત રીતે નિષ્ફળ કરવામાં આવ્યો હતો. આ પહેલા બુધવારે રાત્રે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ ગુરદાસપુર જિલ્લામાં ડ્રોનની ગતિવિધિ જોઈ હતી. સતર્ક સૈનિકોએ તરત જ ગોળીબાર કર્યો. સર્ચ ઓપરેશન દરમિયાન જવાનોને ગ્રીન મીની ટોર્ચ અને એક પેકેટ મળી આવ્યું હતું. પેકેટ પર પીળા રંગની ટેપ લપેટી હતી. પેકેટ ખોલતા તેમાંથી 531 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આ રિકવરી ગુરદાસપુર જિલ્લાના થથારકે ગામની બાજુમાં આવેલા ખેતરમાં થઈ હતી.