નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ અને નક્સવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ અને નક્સવાદીઓ વચ્ચે થયેલા ઘાણીફુટ ગોળીબાર વચ્ચે એક નક્સવાદી ઠાર મરાયો હતો. જ્યારે ચારેક નક્સવાદી ઈજાગ્રસ્ત થયાં હતા. આ અથડામણમાં સુરક્ષા જવાનો પણ ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્ત સુરક્ષા જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સુરક્ષાદળો વિસ્તારમાં આ વિસ્તારમાં નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સર્ચ-સર્વેની કવાયત શરુ કરવામાં આવી હતી.
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના મદ્દેડ વિસ્તારમાં સુરક્ષાબળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બંદેપરાના જંગલમાં અથડામણ થઈ હતી, જેમાં એક નક્સલી ઠાર અને ત્રણથી ચાર નક્સલીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. કોબરા બટાલિયનના બે જવાન ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. મંગળવારે સવારે બંદેપારાના જંગલોમાં જવાનોને જોઈને નક્સલીઓએ ગોળીબારી શરૂ કરી હતી, ત્યારપછી બંને તરફથી એક કલાક સુધી ફાયરિંગ કરવામાં આવી હતી. એક નક્સલી ઠાર મરાયો છે અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
બીજાપુરના પોલીસ અધિક્ષક આંજનેય વાર્ષ્ણેયે અથડામણની પુષ્ટી કરતા જણાવ્યું છે કે, ‘એક નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે, જેની ઓળખ નાગેશ તરીકે થઈ છે. અથડામણ સ્થળેથી AK-47 મળી આવી છે. સુરક્ષાબળોને જંગલ વિસ્તારમાંથી એરિયા કમિટી પ્રભારી dycm નાગેશ તથા 15-20 સશસ્ત્ર નક્સલીઓ હાજર હોવાની સૂચના મળી હતી.
દેશમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓને ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદને નાથવા માટે મોટા પાયે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આવી જ રીતે છત્તીસગઢ સહિતના રાજ્યોમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે કવાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ દેશ વિરોધી પ્રવૃતિમાં ફંડીંગને અટકાવવા માટે ઈડી સહિતની એજન્સીઓ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.