નવી દિલ્હીઃ જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જિલ્લાના ગંડોહના લુડુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમજ કેટલાક આતંકવાદીઓને ઘેરવામાં આવ્યાનું જાણવા મળે છે. ફાયરિંગ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ વિસ્તાર ગાઢ જંગલ અને પહાડોથી ઘેરાયેલો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડોડામાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકીઓની શોધમાં સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન આજે, એન્કાઉન્ટર સાઇટ વિસ્તારમાં ફરી એક શંકાસ્પદ જોવા મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોર્ડન કડક થતું જોઈને આતંકીઓએ ગોળીબાર કર્યો, જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ ગોળીબાર કર્યો હતો. સૂત્રોનું માનીએ તો આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સે ડોડા એન્કાઉન્ટર સંબંધિત માહિતી શેર કરી છે. સેનાએ તેને ઓપરેશન લાગોર નામ આપ્યું છે. તેમણે કહ્યું કે, ચોક્કસ બાતમીના આધારે ભદરવાહ સેક્ટરના ગંડોહમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસનું સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.