ભારત-બાંગ્લાદેશ સરહદ પાસે નાદિયામાંથી 8.5 કરોડનું 14 કિલો સોનું સુરક્ષા જવાનોએ ઝડપ્યું
નવી દિલ્હીઃ ભારત દ્વારા સરહદી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નશીલા દ્રવ્યોની હેરાફેરી, સોનાની દાણચોરી અને ઘુસણખોરીને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર આવેલા નાદિયા જિલ્લામાંથી સુરક્ષા જવાનોએ દાણચોરીનું 8.5 કરોડની કિંમતનું 14 કિલોથી વજનના સોનાના 106 બિસ્કીટ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ સોનું બંને શખ્સોને બે બાંગ્લાદેશીઓએ આપ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને રેવન્યુ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર (DII) એ ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક નાદિયા જિલ્લામાં એક ઘરમાંથી 14.296 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. આ બિસ્કિટની કિંમત લગભગ 8.5 કરોડ રૂપિયા છે.
BSFએ કહ્યું કે, આ કેસમાં ઘરના માલિક સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક સૂચના બાદ, BSF અને DRIએ મળીને એક ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેના વિજયપુર ગામમાં એક ઘરમાંથી 106 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલા બંને દાણચોરોએ જણાવ્યું હતું કે તેઓને સવારે બે બાંગ્લાદેશીઓ પાસેથી તે મળ્યું હતું, જેને તેઓ તે જ જિલ્લાના કેટલાક ગેડે અને અન્ય સરહદી ગામને સોંપવાના હતા. પરંતુ સરહદ રક્ષકોની કડક દેખરેખને કારણે, તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા અને તેમને તેમાંથી એકના ઘરે સોનું રાખવાની ફરજ પડી. સુરક્ષા જવાનોએ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. તેમજ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.