પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો સુરક્ષા જવાનો કરશે ઉપયોગ
નવી દિલ્હીઃ BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ માટે ‘ત્રીજી આંખ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદના 2290 કિલોમીટર લાંબા વિસ્તાર પર ‘CIBMS’ દ્વારા દેખરેખની તૈયારી છે અને તેનો રોડમેપ પણ તૈયાર છે. પાકિસ્તાનથી આવતા ડ્રોનને શોધવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) સાથે ફીટ કરાયેલા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વિચારણા હેઠળ છે. જો બોર્ડર સિક્યોરિટી ફોર્સને આ સિસ્ટમ મળી જશે તો સરહદ પર પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનને સમયસર શોધી શકાશે. આ સિસ્ટમ વાહનો પર લગાવવામાં આવશે, તેથી એડીએસને આસપાસ ખસેડવામાં સરળતા રહેશે. આ સિસ્ટમની મદદથી રાત્રે કે ધુમ્મસના સમયે ભારતીય સરહદ પર આવતા ડ્રોનને પણ શોધી શકાશે.
બીએસએફના ડીજી પંકજ કુમાર સિંહે દળના 58માં સ્થાપના દિવસ પર કહ્યું કે, એન્ટી ડ્રોન સિસ્ટમ સિવાય, સરહદ પર ઘણા અન્ય ઉપકરણો પણ લગાવવામાં આવી રહ્યા છે. ‘કોમ્પ્રીહેન્સિવ ઈન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ’ (CIBMS) દ્વારા બોર્ડર સર્વેલન્સને વધુ મજબૂત બનાવવામાં આવશે. BSFમાં CIBMS એ માનવશક્તિ, વિવિધ પ્રકારના સેન્સર્સ અને નેટવર્કનો સંકલિત પ્રયાસ છે. આ ટેક્નિકલ સિસ્ટમ લગાવવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સે આંતરરાષ્ટ્રીય બોર્ડરના 2290 કિલોમીટર લાંબા વિસ્તાર પર રોડમેપ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવને ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી મળવાની આશા છે. યોજનાના પ્રથમ તબક્કામાં જમ્મુ અને પંજાબ સરહદના 310 કિલોમીટરના વિસ્તારને આવરી લેવામાં આવશે.
બીજા તબક્કામાં આ સિસ્ટમ 575 કિલોમીટર લાંબી બોર્ડર લાઇન પર લગાવવામાં આવશે. ત્રીજા તબક્કા હેઠળ, CIBMS રાજસ્થાન અને ગુજરાત સાથેની પાકિસ્તાન સરહદે સ્થાપિત કરવામાં આવશે. યોજનાના ચોથા તબક્કામાં 964 કિલોમીટર લાંબી સરહદને આવરી લેવામાં આવશે. જેમાં ઉત્તર બંગાળ અને ગુવાહાટી ફ્રન્ટિયરનો સમાવેશ થશે.
(PHOTO-FILE)