અમદાવાદઃ ગુજરાતમાં કેટલાક રાજકીય નેતાઓ પ્રજામાં વટ પાડવા માટે બદુકધારી સુરક્ષા કર્માઓને સાથે રાખતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક રાજકીય નેતાઓને તેમજ સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના નિવૃત જજને પણ સુરક્ષા આપવામાં આવતી હોય છે. અને તેની સમીક્ષા પણ કરવામાં આવતી હોય છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુપ્રીમ, અને હાઈકોર્ટના નિવૃત્ત જજ, પૂર્વ મંત્રી, નેતા , ધારાસભ્ય, ઉદ્યોગપતિ, વેપારીઓ સહિત 72 મહાનુભાવોને એક્સ, વાય, ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. જેમાંથી ચાલુ વર્ષે સરકારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના 9 નિવૃત્ત જજ, માજી મંત્રી-માજી ધારાસભ્ય, ચાલુ ધારાસભ્ય તેમજ કેટલાક નેતા સહિત 30ને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે.જ્યારે 28 મહાનુભાવની સુરક્ષામાં ફેરફાર કરીને નવેસરથી સુરક્ષા ફાળવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટમાંથી કપાયેલા બે પૂર્વ મંત્રી કૌશિક પટેલ અને સૌરભ પટેલ જ્યારે પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહ, વલ્લભ કાકડિયા, કોંગ્રેસના હિંમતસિંહ પટેલ, ભાજપ યુવા મોરચાના ડો. ઋત્વીજ પટેલ, અને પૂર્વ ધારાસભ્યો બિમલ શાહ, ભૂષણ ભટ્ટ, તેમજ રાજેન્દ્રદાસજી મહારાજ (અખિલ ભારતીય શ્રીપંચ નિર્મોહી અમી અખાડા)ની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં 14 મહાનુભાવોને અગાઉથી આપવામાં આવેલી સુરક્ષા યથાવત જ રાખવામાં આવી છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જેમાં વિપક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય શૈલેશ પરમાર, રોહિતજી ઠાકોર, નિવૃત્ત આઈપીએસ જે.કે.ભટ્ટ તેમજ કેટલાક ઉદ્યોગપતિ, વેપારીઓનો સમાવેશ થાય છે. જે પણ મહાનુભાવોને સુરક્ષા ફાળવવામાં આવે છે, તેમને એક્સ, વાય અને ઝેડ કેટેગરી પ્રમાણે પીએસઓ (પોલીસ કર્મચારી) ફાળવવામાં આવે છે. જેમાં તેમની સાથે રાઉન્ડ ધી કલોક પોલીસ કર્મચારી તહેનાત રહે છે. તો કેટલાક કિસ્સામાં ઓફિસ અને ઘરે પણ રાઉન્ડ ધી કલોક પોલીસ કર્મચારી તહેનાત રાખવામાં આવે છે.